દિવાળી ઉપર ખીસ્સું `ગરમ’ હોય તો જ ફરવા જવાનું પ્લાનિંગ કરજો !
ટે્રનો અત્યારથી જ પેક થવા લાગી, બસ તો હોય જ છે, પ્લેનમાં ટિકિટનું ભાડું સાતમા આસમાને
રાજકોટથી દિલ્હીની ટિકિટનો ભાવ અધધ ૨૦,૦૦૦ તો ગોવા માટે ૨૨થી ૨૫૦૦૦નો માત્ર ટિકિટનો જ કરવો પડશે ખર્ચ: અમદાવાદથી કોચી સુધીનો ભાવ ૩૫૦૦૦એ પહોંચી ગયો
આ વર્ષે રવિવારે દિવાળી હોવાથી મોટાભાગના પરિવારો ધનતેરસથી જ ફરવા ઉપડી જશે: વિદેશના પેકેજ પણ મોંઘા થઈ ગયા: મધ્યમ વર્ગ માટે શહેરમાં જ તહેવાર ઉજવવો મુનાસીબ હોય તેવો તાલ
મોટાભાગનાએ સાતમ-આઠમ વેળાએ જ દિવાળીનું બુકિંગ કરાવી લીધું હોવાને કારણે ટિકિટ મળવી બની જશે મુશ્કેલ
ભારતનો સૌથી મોટો તહેવાર દિવાળીને આમ તો હજુ દોઢેક મહિના જેટલો સમય બાકી છે. જો કે આ તહેવારમાં સપરિવાર ફરવા જવાનું ચલણ વર્ષોથી ચાલ્યું આવતું હોય લોકો આખું વર્ષ બચત કરીને પણ અન્ય રાજ્ય કે દેશમાં ફરવા જતા હોય છે. પાછલા થોડા વર્ષથી ટે્રન-બસની જગ્યાએ ફ્લાઈટમાં જવાનું ચલણ વધી ગયું હોય ટિકિટ બુકિંગ માટે રીતસરની પડાપડી જોવા મળતી હોય છે. આ વર્ષે પણ કંઈક આવું જ છે અને લોકો સ્પષ્ટ કહેવા લાગ્યા છે કે `આ વર્ષે તો ખીસ્સું ગરમ હોય તો જ ફરવા જવાનું પ્લાનિંગ બનાવવું જોઈએ’ !! આ પાછળનું મુખ્ય કારણ એ છે કે દિવાળી પર દોડનારી ટે્રનો અત્યારથી જ પેક થવા લાગી છે મતલબ કે તેનું ટિકિટ બુકિંગ થવા લાગ્યું છે તો બસ દર વર્ષની જેમ આ વર્ષે પણ હાઉસફૂલ જ રહેવાની છે ત્યારે છેલ્લો વિકલ્પ પ્લેનનો રહે છે પરંતુ તેના ભાડા પણ અત્યારથી જ સાતમા આસામનને આંબી રહ્યા હોવાને કારણે ઘણાખરા લોકોએ ફરવા જવાનું કમને માંડી વાળ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
દિવાળી પર અન્ય રાજ્યોમાં ફરવા જવાનું લોકો પસંદ કરતા હોય છે ત્યારે જે તે રાજ્યમાં પહોંચવા માટે રાજકોટથી દિલ્હી અથવા મુંબઈ તો જવું જ પડતું હોય છે કેમ કે હજુ ઘણા રાજ્યો એવા છે જ્યાં અહીંથી ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ નથી એટલા માટે દિલ્હીનું રિટર્ન ફ્લાઈટનું ભાડું છેક ૨૦,૦૦૦ને આંબી ગયું છે અને જેમ જેમ દિવસો પસાર થતાં જશે તેમ તેમ તેમાં વધારો થતો જશે. સામાન્ય દિવસોમાં આ ભાડું ૧૦,૦૦૦ આસપાસ હોય છે જેમાં અત્યારથી જ બમણો વધારો થઈ ગયો છે. આવી જ રીતે ગોવાની ફ્લાઈટનું ભાડું ૨૨થી ૨૫,૦૦૦ સુધી પહોંચી ગયું છે જે સામાન્ય દિવસોમાં અડધોઅડધ રહેતું હોય છે. જ્યારે કેરળ ફરવા જનારો વર્ગ પણ બહોળા પ્રમાણમાં હોય કેરળ જનારા લોકોએ કાં તો પહેલાં દિલ્હી અથવા તો અમદાવાદથી કોચી જવાનું હોય છે. આ રીતે જોવા જઈએ તો અમદાવાદથી કોચીની ફ્લાઈટનું ભાડું ૩૫,૦૦૦એ પહોંચી ગયું છે તો રાજકોટથી બેંગ્લોર અને ત્યાંથી કોચી સુધી જવાનું ભાડું ૩૮૦૦૦ થઈ જવા પામ્યું છે.
બીજી બાજુ આ વર્ષે દિવાળી રવિવારે હોવાથી મહત્તમ પરિવારો તેના બે દિવસ પહેલાં એટલે કે ધનતેરસથી જ ફરવા ઉપડી જવાના હોવાનું જાણવા મળી રહ્યું છે અને લગભગ તમામ લોકોએ ફ્લાઈટ ટિકિટનું બુકિંગ પણ ધનતેરસથી જ કરાવી લીધું છે. ડોમેસ્ટિકની સાથે સાથે વિદેશના પેકેજ પણ એટલા જ મોંઘા થઈ ગયા હોય મધ્યમ વર્ગ માટે આ વખતની દિવાળી બીજા રાજ્ય કે દેશના શહેર નહીં બલ્કે પોતાના જ શહેરમાં મનાવવી પડે તેવો તાલ જોવાઈ રહ્યો છે ! એકંદરે મોટાભાગના પરિવાર અને ગ્રુપ્સે સાતમ-આઠમ વખતે જ દિવાળી પર ફરવા જવા માટેનું બુકિંગ કરાવી લીધું હોવાને કારણે ટૂંક સમયમાં ફ્લાઈટસ માટે `હાઉસફૂલ’નું બોર્ડ લાગી જાય તો નવાઈ પામવા જેવું નહીં રહે !
ભારતમાં ઉત્તરાખંડ, દહેરાદૂન, આસામ, સિક્કિમ, દાર્જિલિંગ સહિતના સ્થળોએ ધસારો વધુ
આ વર્ષેની દિવાળીએ રાજકોટના લોકોમાં ઉત્તરાખંડ, નોર્થ ઈસ્ટ જેમાં આસામ, સિક્કિમ, દાર્જિલિંગ સહિતનો સમાવેશ થાય છે તે ઉપરાંત દહેરાદૂન, મસૂરી, નૈનીતાલ, ભીમતાલ, ઉંટી, મૈસૂર, કુર્ક સહિતના સ્થળોએ ફરવા જવાનો ધસારો વધુ જોવાઈ રહ્યો છે. આ ઉપરાંત કેરળ માટે પણ મહત્તમ બુકિંગ થઈ રહ્યું છે તો હિમાચલ પ્રદેશ ફરવા જવા માટે હજુ સુધી કોઈ મૂવમેન્ટ જોવા મળી રહી નથી.
વિદેશ માટે દુબઈ, બાલી (ઈન્ડોનેશિયા), વિયેતનામ, થાઈલેન્ડ સહિતના દેશો હોટફેવરિટ
દિવાળી ઉપર વિદેશમાં પણ લોકો એટલા જ ફરવા જતા હોય છે ત્યારે આ વર્ષે દુબઈ, બાલી (ઈન્ડોનેશિયા), વિયેતનામ, થાઈલેન્ડ, સિંગાપોર સહિતના દેશો હોટફેવરિટ બની રહ્યા છે. જો કે આ તમામને પેકેજમાં ૫૦%નો ઉછાળો આવ્યો છે પરંતુ તેની પરવા કર્યા વગર લોકો બુકિંગ કરાવી રહ્યા છે.
થાઈલેન્ડ માટે હવે ગર્લ્સ-સીનિયર સિટીઝન તેમજ કપલનું પણ એટલું જ બુકિંગ
સામાન્ય રીતે એવું ચલણ છે કે થાઈલેન્ડ અને બેંગકોક માત્ર યુવકો અને પુરુષો જ જતા હોય છે પરંતુ આ વર્ષની દિવાળીએ ગર્લ્સ, સીનિયર સિટીઝન તેમજ કપલનું પણ એટલું જ બુકિંગ જોવા મળી રહ્યું છે. હનીમૂન માટે કપલની પહેલી પસંદ થાઈલેન્ડ હોય તેવી રીતે અત્યારથી જ બુકિંગ કરાવવાનું શરૂ કરી દેવાયું છે તો ગર્લ્સના મોટા મોટા ગ્રુપ પણ બુકિંગ કરાવી રહ્યા છે.
શા માટે તહેવાર ઉપર જ ટિકિટનો ભાવ વધી જાય છે ?
સ્કબ સર્વિસીઝના રવિ ગાધેરે જણાવ્યું કે સામાન્ય રીતે ટિકિટ, ટુર પેકેજ, હોટેલ બુકિંગ સહિતનું કાર્ય કરતાં એજન્ટસ દ્વારા જ્યારે સસ્તા ભાવે ટિકિટ મળતી હોય ત્યારે તેની ખરીદી કરી લેવામાં આવતી હોય છે. અંદાજ પ્રમાણે એક એજન્ટસ ૨૦ જેટલા બ્લોક મતલબ કે ૨૦ ટિકિટ પોતાના જોખમ ઉપર ખરીદી લઈને પછી જેવો તહેવાર નજીક આવે એટલે ભાવ વધારીને તેનું વેચાણ કરે છે. સંભવત: ટિકિટના ભાવ વધારા પાછળ આ કારણ પણ ગણી શકાય. જો કે આ માટે એજન્ટસ માટે જોખમ પણ રહેતું હોય છે કેમ કે જો તેણે ખરીદેલી ટિકિટ વેચાઈ ન શકે તો પછી તેનું નુકસાન તેણે ઉઠાવવું પડે છે મતલબ કે તેને કોઈ પ્રકારનું રિફંડ મળતું હોતું નથી. આવું જ કંઈક સાતમ-આઠમ ઉપર થયું હતું અને એજન્ટસે પ્રિ-પર્ચેઝ કરેલી ટિકિટ ન વેચાતા નુકસાન વેઠવું પડ્યું હતું. જો કે દિવાળી પર આવું થવાની સંભાવના ઓછી રહેતી હોય છે.
ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૨૦ દિ’માં ૫૨૧૭૯ મુસાફરોનું ઉડાન-ઉતરાણ
હિરાસર ખાતે શરૂ થયેલું રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૨૦ દિ’માં મતલબ કે તા.૧૦થી ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૫૨૧૭૯ મુસાફરોએ અવર-જવર કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમય દરમિયાન કુલ ૨૧૪ જેટલી ફ્લાઈટનું ઓપરેશન નોંધાયું છે. ૨૦ દિવસમાં માત્ર ચાર દિવસ એવા છે જ્યારે ૧૦ ફ્લાઈટની અવર-જવર થઈ છે બાકીના ૧૬ દિવસ રાજકોટથી તમામ ૧૧ ફ્લાઈટનું સંચાલન થયું છે.
દિવાળી સુધીમાં રાજકોટને વધુ એક ફ્લાઈટસ મળી શકે
જાણવા મળતી વિગતો પ્રમાણે દિવાળીના તહેવાર પહેલાં રાજકોટથી વધુ એક શહેરની ફ્લાઈટ શરૂ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. આ ઉપરાંત રાજકોટથી ઈન્ટરનેશનલ ફ્લાઈટની કનેક્ટિવિટી માટેની પણ કવાયત ચાલી રહી છે.