સરકારને કરી ભલામણ જો આવો સુધારો થાય તો બાળકોને જાતીય શોષણથી બચાવવાનો કાયદાનો મૂળ હેતુ માર્યો જશે
કાયદા પંચે કેન્દ્ર સરકારને ચેતવણીના સૂરમાં કહ્યું છે કે પોક્સો કાયદા હેઠળ સહમતીથી સેક્સની વય ઘટાડવી એ આગ સાથે રમવા સમાન છે. પોક્સો કાયદામાં આ સુધારો કરવામાં આવે તો બાળકોને જાતીય શોષણથી બચાવવાનો કાયદાનો મૂળ હેતુ જ માર્યો જશે. કાયદા પંચ દ્વારા તમામ પાસાઓનો અભ્યાસ અને સમીક્ષા કરવામાં આવ્યા છે અને ત્યારબાદ સરકારને આ મુજબની ભલામણ કરી છે.
કાયદા પંચ કોઈપણ રીતે પોક્સો કાયદા હેઠળ સહમતીથી સેક્સની વય વર્તમાન ૧૮થી ઘટાડીને ૧૬ વર્ષ કરવાના પક્ષમાં નથી. ૨૨મા કાયદા પંચે કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે કે સહમતીથી સેક્સની વય ઘટાડવામાં આવશે તો બાળ વિવાહ અને માનવ તસ્કરી વિરુદ્ધની લડાઈ પર સીધી અને નકારાત્મક અસર પડશે.
કાયદા પંચે સરકારને સહમતીથી સેક્સની વયમાં કોઈ ફેરફાર નહીં કરવા અને જાતીય સંબંધો માટે ૧૬થી ૧૮ વર્ષની વયના સગીરોની મૌન સ્વીકૃતિ સંબંધે પોક્સો કેસમાં સજાની બાબતમાં કોર્ટોને નિર્દેશિત ન્યાયિક વિવેક લાગુ કરવા સૂચન કર્યું છે.
દેશમાં સગીર છોકરા અને છોકરીઓમાં સહમતીથી સેક્સનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે અનેક વખત છોકરાઓ કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. જેથી સુપ્રીમ કોર્ટ સહિત સમાજના વિવિધ વર્ગમાંથી પોક્સો કાયદા હેઠળ સહમતીથી સેક્સની વય ઘટાડવા અંગે વિચારણા કરવા કેન્દ્રને જણાવાયું હતું.