નવરાત્રિમાં ૬ ગ્રાઉન્ડ ભાડે આપી `લાખેણી’ કમાણી કરશે મનપા
રેસકોર્સના બે, નાનામવા સર્કલ, સાધુ વાસવાણી, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની બાજુમાં અને અમીન માર્ગ પાસે આવેલા પ્લોટના ટેન્ડર ખુલ્યા
૧૫ ઑક્ટોબરથી નવલી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. રાસ-ગરબાના ખેલૈયાઓ માટે અત્યંત પ્રિય એવા આ પર્વમાં રાજકોટની અંદર ઠેર-ઠેર પ્રાચીન તેમજ અર્વાચીન રાસોત્સવનું આયોજન થઈ રહ્યું હોય આ વર્ષે પણ તેને લઈને તડામાર તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ જવા પામી છે. બીજી બાજુ મહાપાલિકા દ્વારા નવરાત્રિ દરમિયાન પોતાના હસ્તકના છ જેટલા ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવતા હોય તેના ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યા છે.
મહાપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા તા.૧૩થી તા.૨૪ એમ ૧૨ દિવસ માટે રેસકોર્સના બે, નાનામવા સર્કલ (પેટ્રોલ પંપ પાસે), સાધુવાસવાણી રોડ, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ અને અમીનમાર્ગ કોર્નર એમ છ ગ્રાઉન્ડ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
રેસકોર્સ મેદાન ભાગ-એનું ગ્રાઉન્ડ કે જેનું ક્ષેત્રફળ ૧૨૮૦૦ ચોરસમીટર છે તેની પ્રતિ ચો.મી. અપસેટ પ્રાઈસ ૬ રૂપિયા રાખવામાં આવી છે. આવી જ રીતે રેસકોર્સ મેદાન ભાગ-બીની અપસેટ પ્રાઈસ ૬ રૂપિયા, નાનામવા સર્કલ પાસેનું મેદાન કે જેનું ક્ષેત્રફળ ૯૪૩૮ ચો.મી. છે તે ગ્રાઉન્ડની અપસેટ પ્રાઈસ પ્રતિ ચો.મી. ૬ રૂપિયા, સાધુવાસવાણી રોડ, રાજ પેલેસ સામેના પ્લોટ કે જેનું ક્ષેત્રફળ ૫૩૮૮ છે તેની અપસેટ પ્રાઈસ ૬, પ્રમુખસ્વામી ઓડિટોરિયમની બાજુનો ૩૦૭૩ ચો.મી.ના ક્ષેત્રફળના પ્લોટની અપસેટ પ્રાઈસ ૫ અને અમીનમાર્ગ કોર્નર, જેડ બ્લ્યુની સામેનો પ્લોટ કે જેનું ક્ષેત્રફળ ૪૬૬૯ ચો.મી. છે તેની અપસેટ પ્રાઈસ ૫ રૂપિયા રાખવામાં આવી છે. આ ઉપરાંત ટેન્ડર ભરનાર દરેકે એક લાખ રૂપિયાની ડિપોઝિટ ભરવાનું ફરજિયાત રાખવામાં આવ્યું છે. મહાપાલિકા દ્વારા જણાવ્યા પ્રમાણે ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ ૩ ઑક્ટોબર રાખવામાં આવી છે. આ ઉપરાંત ગ્રાઉન્ડ ભાડે રાખનારે સફાઈ ખર્ચ તેમજ જીએસટીની ભરપાઈ અલગથી કરવાની રહેશે.
