કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ SIR પ્રક્રિયાને ગણાવી ‘ફ્રેન્કેસ્ટાઈન મોન્સ્ટર’, ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન
દિલ્હીમાં મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)ની કામગીરી દરમિયાન ચૂંટણી પંચ દ્વારા અનેક જાણીતી રાજકીય હસ્તીઓને નોટિસ પાઠવવામાં આવી છે. ચૂંટણી પંચની આ કાર્યવાહીને પગલે રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દે સોશિયલ મીડિયા પર આકરા પ્રહારો કરતાં ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે અને આ સમગ્ર પ્રક્રિયાને એક ‘ફ્રેન્કેસ્ટાઈન મોન્સ્ટર’ ગણાવી છે.
બિહારથી શરૂ થયેલું SIR હવે જ્યારે દિલ્હીમાં પણ પહોંચી ગયું છે, ત્યારે કદાચ સત્તામાં બેઠેલા લોકોને સમજાઈ રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી શરૂઆતથી જ આ સમગ્ર પ્રક્રિયાને ખામીયુક્ત કેમ કહી રહી હતી.SIR માત્ર ભાજપ દ્વારા કથિત રીતે મત ચોરી અને લોકશાહી ખતમ કરવાનું સાધન જ નથી, પરંતુ આ ખામીયુક્ત પ્રક્રિયા હવે એવી સ્થિતિમાં પહોંચી ગઈ છે કે તેનો ભોગ ભાજપના જ લોકો બની રહ્યા છે.
ભાજપના ઘણા મોટા નેતાઓ જેમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીજી, વર્તમાન વિદેશ મંત્રી, દિલ્હીના ઉપરાજ્યપાલ (LG), રાજ્યસભા સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી સહિતના લોકોનો સમાવેશ થાય છે તેમને હવે નોટિસ આપવામાં આવી છે.આ પહેલા ભારત રત્નથી સન્માનિત વૈજ્ઞાનિક અને પૂર્વ નૌસેના પ્રમુખને પણ નોટિસ આપવામાં આવી ચૂકી છે.
પશ્ચિમ બંગાળમાં જેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા અને તેમને મતદાનથી રોકવામાં આવ્યા, તેમાંથી અત્યાર સુધી જે કેસોમાં નિર્ણય આવ્યો છે, તેમાં 93 ટકા લોકોએ પોતાની અપીલ જીતી છે. એટલે કે 1,13,943 લોકોને ફરીથી મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે. સવાલ એ છે કે તેમનો મતાધિકાર કયા આધાર પર છીનવાયો હતો?
આ ઉપરાંત, ચૂંટણી પંચે આજે સત્તાવાર પ્રેસ રિલીઝ બહાર પાડીને “VIP/Marked Electors”નો ઉલ્લેખ કર્યો છે. શું હવે ભારતમાં Universal Adult Franchise એટલે કે દરેક પુખ્ત નાગરિકને સમાન મતાધિકારની વ્યવસ્થામાં મતદારોની કોઈ ખાસ કેટેગરી છે. VIP મતદાર અને સામાન્ય મતદાર? શું આપણા બંધારણે આપેલા “એક વ્યક્તિ, એક મત, એક સમાન મૂલ્ય”ના સિદ્ધાંતની આ અવગણના નથી?
શું હવે VIPનો મત વધુ કિંમતી બની ગયો છે? SIRના પહેલા ત્રણ તબક્કામાં 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 13.8 કરોડ મતદારોના નામ મતદાર યાદીમાંથી બહાર થઈ ગયા. એટલે કે 94.78 કરોડ મતદારોમાંથી આશરે 14.61% મતદારો યાદીમાંથી બહાર થયા.આટલા કરોડો સામાન્ય મતદારોના મામલે કોણ અને કોના ઈશારે ચૂપ બેઠું છે? VIP માટે પ્રેસ રિલીઝ, પરંતુ કરોડો સામાન્ય મતદારો માટે ખામોશી!
