અમદાવાદ અને ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્રની મોટી રેડ: કરોડોની દવાઓ સીઝ, 7 પેઢીને નોટિસ, 1નું લાયસન્સ રદ!
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી અને નશીલા પદાર્થો તરીકે ગેરકાયદેસર રીતે વેચાતી કોડીનયુક્ત દવાઓ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રે લાલ આંખ કરી છે. અમદાવાદ અને ગાંધીનગર પંથકમાં હાથ ધરવામાં આવેલી આકસ્મિક અને સઘન તપાસ ઝુંબેશને કારણે ગેરરીતિ આચરતા દવાના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
₹83 લાખથી વધુનો શંકાસ્પદ દવાનો જથ્થો સ્થગિત
અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં કોડીન ઘટક ધરાવતી પ્રતિબંધિત કે ગેરકાયદેસર હેરાફેરી થતી દવાઓ સામે તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ તપાસ દરમિયાન બિલિંગ, ખરીદ-વેચાણના રેકોર્ડ અને સ્ટોક રજિસ્ટરમાં મોટી ક્ષતિઓ સામે આવતા તંત્ર દ્વારા કુલ ૮૩ લાખ રૂપિયાથી વધુની કિંમતનો શંકાસ્પદ દવાનો જથ્થો તાત્કાલિક અસરથી સ્થગિત (જપ્ત) કરી દેવામાં આવ્યો છે.
7 પેઢીઓને શો-કોઝ નોટિસ અને 1 નું લાયસન્સ રદ
નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવા બદલ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કુલ ૭ કુખ્યાત પેઢીઓને કારણદર્શક (શો-કોઝ) નોટિસ ફટકારવામાં આવી છે. આમાંથી કલોલની ‘હેલ્થ પોઈન્ટ ફાર્મા’ પેઢી દ્વારા નોટિસનો કોઈ જ સંતોષકારક ખુલાસો કે જવાબ ન આપવામાં આવતા તંત્ર દ્વારા તેનું દવા વેચાણનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમેરિકાના હુમલા બાદ ઈરાનનો પલટવાર: અમેરિકાના 2 યુદ્ધજહાજ અને 8 ટેન્કર નિશાન પર!
કઈ પેઢી સામે શું થઈ કાર્યવાહી? (મુખ્ય વિગતો)
તંત્રની તપાસમાં પકડાયેલી મુખ્ય પેઢીઓ અને તેમના પર થયેલી કાર્યવાહી નીચે મુજબ છે:
બાલાજી ફાર્મા (અમદાવાદ ગ્રામ્ય-ગાંધીનગર): અહીંથી ‘રેક્સટોન-ટી’ સીરપની કુલ ૩૭,૭૬૨ બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો, જેને જપ્ત કરી નોટિસ અપાઈ.
હેલ્થ પોઈન્ટ ફાર્મા (કલોલ): સંતોષકારક ખુલાસો ન મળતા દવા વેચાણનો પરવાનો રદ કરાયો.
જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સ: ‘R Tuss TD Syrup’ ની ૫૭ બોટલો (કિંમત અંદાજે ₹૯,૦૦૬) સ્થગિત કરી નોટિસ અપાઈ.
અન્ય પેઢીઓ: ફાર્માલિન લાઇફસાયન્સિસ (ચાંગોદર), રેઇન રેમેડીઝ (સાંતેજ), એચઆરડીએમ ગ્લોબલ સોલ્યુશન્સ (અમદાવાદ) અને કૃષ્ણા ફાર્મા (કઠવાડા) ને સ્ટોક અને બિલિંગની ક્ષતિઓ બદલ શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે.
માનવ સ્વાસ્થ્ય માટે કોડીનનું સેવન અતિ જોખમી
તબીબી નિષ્ણાતોના મતે, કોડીનયુક્ત દવાનો ઉપયોગ જો ઊંઘની દવાઓ, દારૂ કે અન્ય નશીલા પદાર્થો સાથે કરવામાં આવે તો તે માનવ શરીર માટે અત્યંત ઘાતક અને જીવલેણ સાબિત થઈ શકે છે. યુવા પેઢીમાં નશા તરીકે વધી રહેલા આ દૂષણને ડામવા માટે જ તંત્ર દ્વારા આ આક્રમક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની આ કડક કાર્યવાહી દર્શાવે છે કે સરકાર અનધિકૃત અને નશીલી દવાઓના કારોબારનેબિલકુલ ચલાવી લેવાના મૂડમાં નથી. આ પ્રકારના દરોડાથી ડ્રગ માફિયાઓ અને ગેરકાયદે વેપાર કરતા તત્વોમાં મોટો ડર બેઠો છે, જેનાથી ભવિષ્યમાં આવા ગેરકાયદે વેચાણ પર મોટો અંકુશ આવી શકશે.
