અમેરિકાના હુમલા બાદ ઈરાનનો પલટવાર: અમેરિકાના 2 યુદ્ધજહાજ અને 8 ટેન્કર નિશાન પર!
અમેરિકા અને ઈરાન વચ્ચે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો તણાવ હવે ખુલ્લા યુદ્ધમાં ફેરવાઈ રહ્યો છે. અમેરિકા દ્વારા ઈરાની ટેન્કરો પર કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહીના જવાબમાં ઈરાનની સેનાએ પણ આક્રમક વલણ અપનાવતા હોર્મુઝની ખાડીમાં ભયાનક વળતો પ્રહાર કર્યો છે, જેના કારણે વૈશ્વિક સ્તરે મોટો હલચલ મચી ગઈ છે.
અમેરિકાના 5 ઓઈલ ટેન્કરો તબાહ થયા બાદ ઈરાનનો વળતો પ્રહાર
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા ઓમાનની ખાડી અને ખાર્ગ દ્વીપ નજીક ઈરાન સાથે જોડાયેલા ૫ ક્રૂડ ઓઈલ ટેન્કરોને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. અમેરિકાનો આરોપ હતો કે ઈરાને તેના એક સૈન્ય જહાજ પર બે વાર બેલેસ્ટિક મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાથી ભડકેલી ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ વળતો પ્રહાર કરતા એક જ દિવસમાં ૧૦ જહાજો પર હુમલો કરવાનો દાવો કર્યો છે.
હોર્મુઝમાં 10 જહાજો નિશાન પર: 2 અમેરિકન યુદ્ધજહાજ સામેલ
IRGC ના દાવા મુજબ, તેમના દળોએ હોર્મુઝના અસુરક્ષિત વિસ્તારમાંથી પસાર થતા ૧૦ જહાજોને નિશાન બનાવ્યા છે, જેમાં ૨ અમેરિકન યુદ્ધજહાજ અને ૮ ઓઈલ ટેન્કરો સામેલ છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકન નૌસેનાના વિધ્વંસક જહાજો DDG-119 અને DDG-53 પર સફળ મિસાઈલ હુમલા કર્યા છે. જોકે, આ દાવાઓની હજુ સુધી કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
આ પણ વાંચો: વગર મંજૂરીએ સ્કૂલ બંધ કરશો તો 20 લાખનો દંડ:ગુજરાત સરકારનું નવું બિલ લાવશે કડક નિયમો
કુવૈત, જોર્ડન અને બહરીનના બંદરોને કડક ચેતવણી
ઈરાની સરકારી ટીવી પર પ્રસારિત થયેલા નિવેદન અનુસાર, IRGC ની નેવીએ કુવૈત, જોર્ડન અને બહરીનના બંદરો પર હાજર તમામ ઓઈલ ટેન્કરોના ક્રૂ મેમ્બર્સને તાત્કાલિક જહાજ ખાલી કરવા ચેતવણી આપી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જે બંદરો પર અમેરિકન સેનાની હાજરી છે અથવા જે દેશો અમેરિકાની સૈન્ય કાર્યવાહીમાં સહયોગ કરી રહ્યા છે, ત્યાં ઊભેલા તમામ ટેન્કરોને તેમના દ્વારા નિશાન બનાવવામાં આવશે.
અંડરવોટર ડ્રોનને લઈને અમેરિકા અને ઈરાન સામસામે
આ ભીષણ તણાવ વચ્ચે ઈરાને અમેરિકાના એક અંડરવોટર ડ્રોન (સબમર્સિબલ) ને કબજે કરી લીધા હોવાનો દાવો પણ કર્યો છે. બીજી તરફ, પેન્ટાગોને આ દાવાને નકારી કાઢતા સ્પષ્ટતા કરી છે કે આ એક જૂનું મોડેલ હતું જે ટેકનિકલ ખામીના કારણે અગાઉ જ બંધ પડી ગયું હતું અને તેમાં કોઈ પણ પ્રકારનો ગોપનીય ડેટા કે સંવેદનશીલ ઉપકરણો નહોતા.
અમેરિકા અને ઈરાન વચ્ચેની આ સૈન્ય અથડામણે મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી અત્યંત ખતરનાક સ્થિતિ પેદા કરી દીધી છે. જો આ સંઘર્ષ આ જ રીતે વધતો રહ્યો, તો વૈશ્વિક ક્રૂડ ઓઈલ સપ્લાય અને આંતરરાષ્ટ્રીય વેપાર પર તેની અત્યંત ગંભીર અસરો જોવા મળી શકે છે.
