અમદાવાદ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં અટકાવવા અને અખાદ્ય ખોરાકના દૂષણને ડામવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફૂડ વિભાગ હવે પૂરેપૂરો એક્શન મોડમાં આવી ગયો છે. ખાણીપીણીની વસ્તુઓમાં વેપારીઓની મનમાની ચલાવી લેવામાં નહીં આવે તે સ્પષ્ટ કરતાં AMC દ્વારા એક કડક આદેશ જારી કરવામાં આવ્યો છે, જેનાથી વેપારી આફતમાં મુકાયા છે.
તમામ ખાદ્ય પદાર્થો પર લેબલ લગાવવું ફરજિયાત
અમદાવાદમાં શેરીઓથી લઈને મોટી હોટેલ-રેસ્ટોરન્ટ અને લારીઓ પર વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર નજર રાખવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને કમર કસી છે. નવા નિયમ મુજબ હવે શહેરમાં વેચાતા તમામ ખાદ્ય પદાર્થો પર પ્રોડક્ટનું નામ, તેમાં વપરાયેલા ઘટકો, પોષક તત્ત્વો તેમજ ઉત્પાદકનું નામ અને સરનામું દર્શાવતું લેબલ લગાવવું ફરજિયાત કરી દેવાયું છે. અગાઉ છૂટક મીઠાઈઓ પર મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ લખવાની સૂચના અપાઈ હતી, પરંતુ સમય જતાં તેનું પાલન બંધ થઈ જતાં હવે તંત્ર વધુ કડક બન્યું છે.
૧૦૦થી વધુ બેકર્સ સાથે બેઠક અને કડક તાકીદ
અમદાવાદમાં ખાણીપીણીની ચીજવસ્તુઓની ગુણવત્તા ચકાસવા માટે મ્યુનિ. અગાઉ પણ રસોડાનું લાઈવ સ્ટ્રીમિંગ અને ટેસ્ટિંગ કિટ રાખવા જેવા નિયમો લાવી ચૂકી છે. આ કવાયતના ભાગરૂપે ફૂડ વિભાગે તાજેતરમાં ગુજરાત બેકર્સ એસોસિએશનના ૧૦૦થી વધુ સભ્યો સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં વેપારીઓને યોગ્ય પેકેજિંગ કરવા અને ફરજિયાત લેબલિંગના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવા સ્પષ્ટ તાકીદ કરાઈ છે. જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદાકીય અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
‘રેપિડ ફૂડ ટેસ્ટિંગ કિટ’ ની અમલવારી અત્યંત ધીમી
મીઠાઈ અને ફરસાણના વેપારીઓ માટે દુકાનોમાં ‘રેપિડ ફૂડ ટેસ્ટિંગ કિટ’ રાખવી ફરજિયાત કરાઈ હોવા છતાં, મોટાભાગના વેપારીઓ દ્વારા હજુ સુધી તેનું પાલન કરવામાં આવ્યું નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ, હાલમાં મીઠાઈના માત્ર એક જ ચેઈન સ્ટોરે પોતાના ૧૫ આઉટલેટ્સમાં આ કિટ મૂકી છે, જ્યારે અન્ય માત્ર ત્રણ જાણીતા વ્યવસાયકારો જ તંત્રના સંપર્કમાં આવ્યા છે. આ યોજનાની ધીમી અમલવારી તંત્ર માટે પણ ચિંતાનો વિષય બની છે.
લેબલ પર કઈ-કઈ વિગતો દર્શાવવી અનિવાર્ય છે?
મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા અને કડક નિયમો અનુસાર, હવે કોઈપણ ખાદ્ય પદાર્થના પેકિંગ પર નીચે મુજબની વિગતો સ્પષ્ટપણે છાપવી પડશે:
ખાદ્ય પદાર્થનું નામ અને તેના ઘટકોની વિગતવાર યાદી
એલર્જન (Allergen) સંબંધિત માહિતી અને પોષક તત્ત્વોની વિગતો
પ્રોડક્ટ શાકાહારી છે કે માંસાહારી તે દર્શાવતું સ્પષ્ટ ચિન્હ
નેટ ક્વોન્ટિટી (વજન કે પ્રમાણ), બેચ કે લોટ નંબર અને તારીખ
FSSAI નો લોગો અને સત્તાવાર લાયસન્સ/રજિસ્ટ્રેશન નંબર
ઉત્પાદકનું પૂરું નામ અને સરનામું
નાગરિકોના સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશને લીધેલા આ પગલાં જો યોગ્ય રીતે અમલમાં આવે તો બજારમાં વેચાતા અખાદ્ય અને હલકી ગુણવત્તાવાળા ખોરાક પર મોટા પ્રમાણમાં લગામ લગાવી શકાશે. હવે એ તે જોવાનું બાકી છે કે વેપારીઓ આ કડક નિયમો સામે કેવો પ્રતિસાદ આપે છે અને તંત્ર તેની કડક અમલવારી કેવી રીતે કરાવે છે.
