પહેલા વિદેશી મદદનો ઇનકાર, હવે નેપાળની આજીજી, ભારતે મોકલી 57 ટન સહાય
કુદરતી આપત્તિઓ ક્યારેક એવા કપરા ચડાણ પર લાવીને મૂકી દે છે કે અહમ બાજુ પર મૂકીને સહાય સ્વીકારવી જ પડે છે. નેપાળમાં સર્જાયેલા વિનાશક જળપ્રલય બાદ શરૂઆતમાં વિદેશી મદદ લેવાનો ઇનકાર કરનાર નેપાળી તંત્ર હવે વાસ્તવિકતા સ્વીકારીને એક્શન મોડમાં આવ્યું છે, જ્યાં ભારતે હંમેશની જેમ ઉદાર દિલ બતાવીને પડોશી ધર્મ નિભાવ્યો છે.
નેપાળના વલણમાં યુ ટર્ન: વિદેશી મદદ માટે સૈાથી મોટો સ્વીકાર
વિનાશક ફ્લેશ ફ્લડ અને પૂરના કારણે નેપાળમાં ૫૮૭થી વધુ લોકોના મોત થયા છે અને ૧૯૦૦થી વધુ લોકો હજુ પણ ગુમ કે ફસાયેલા છે. શરૂઆતના તબક્કામાં સ્થાનિક સુરક્ષા દળોને પ્રાથમિકતા આપવાનો દાવો કરનાર નેપાળ સરકારે હવે પરિસ્થિતિની ગંભીરતા જોઈને વિદેશી મદદ લેવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રી શિશિર ખનાલ અને વડાપ્રધાન બાલેન શાહે સ્પષ્ટતા કરી છે કે નેપાળે ક્યારેય મદદની ના પાડી ન હતી. ટનલ રેસ્ક્યૂ, ડીએનએ (DNA) ટેસ્ટિંગ અને અસ્થાયી પુલોના નિર્માણ માટે હવે આંતરરાષ્ટ્રીય સમુદાયનો સહકાર લેવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: ટ્રમ્પે કરી દુનિયાની સૌથી મોટી ઓઈલ ડીલ, માદુરોની ધરપકડ બાદ ખેલ પલટાયો
ભારત અને ચીન પાસે બેલી બ્રિજ માટે માગી મદદ
પૂરના પ્રકોપમાં રસુવા અને નુવાકોટ જિલ્લાના ત્રણ ડઝનથી વધુ પુલો તૂટી જવાથી અનેક વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો છે. આ કટી ગયેલા માર્ગોને પૂર્વવત્ કરવા માટે નેપાળે ભારત અને ચીન પાસે ૪૨ ‘બેલી બ્રિજ’ (અસ્થાયી પુલ) બનાવવા માટે સત્તાવાર વિનંતી કરી છે. પહાડી વિસ્તારોની ભૌગોલિક સ્થિતિ અને અંધારી ટનલોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હવે ટેકનિકલ નિષ્ણાતોની સખત જરૂરિયાત ઊભી થઈ છે.
ભારતે મોટું મન બતાવીને મોકલી રાહત સામગ્રી
નેપાળની આ મુશ્કેલીના સમયમાં ભારતે તરત જ ઉદાર દિલ દાખવ્યું છે. ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા અત્યાર સુધીમાં ૫૭.૫ ટનથી વધુ રાહત સામગ્રીની ત્રણ મોટી ખેપ કાઠમંડુ પહોંચાડી દેવામાં આવી છે. આ સહાય ઉપરાંત ટનલ રેસ્ક્યૂ માટે ખાસ નિષ્ણાત ટીમો, ૧૧ સભ્યોની તબીબી (મેડિકલ) ટીમ અને બેલી બ્રિજ નિર્માણ માટેની વિશિષ્ટ એન્જિનિયરિંગ ટીમો પણ નેપાળ રવાના કરી દેવામાં આવી છે.
આ આપત્તિએ સાબિત કરી દીધું છે કે ભલે રાજકીય સમીકરણો ગમે તેટલા બદલાય, પરંતુ પડોશી રાષ્ટ્રો વચ્ચે માનવતાના નાતે એકબીજાની વહારે આવવું જ સૌથી મોટો ધર્મ છે. ભારતની આ સમયસરની મદદ નેપાળના લાખો પ્રભાવિત લોકો માટે મોટી રાહત લઈને આવી છે.
