ગોંડલ પાસેથી અટિકાના ચોરખાનામાંથી ૩૮૪ ચપલા સાથે ૩.૭૦ લાખનો મુદ્દામાલ કબજે
ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ ગુજરાતમાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસે ધોંસ બોલાવી દીધી છે ત્યારે હવે બુટલેગરો પણ એક ડગલું આગળ વિચારી રહ્યા છે જેમાં કારમાં ચોરખાનુ બનાવી તેમાં દારૂ છૂપાવ્યો હતો અને પોલીસથી બચવા મહિલા અને બાળકને સાથે રાખ્યા હતા તો’ય પોલીસે બુટલેગરને પકડી લઈ ૬૧,૪૪૦નો વિદેશી દારૂ કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગેની મળતી માહિતી મુજબ દમણથી અટિકામાં દારૂ ભરી બુટલેગર આટકોટ રોડથી જેતપર તરફ જવાનો હોવાની રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળતા ધારેશ્વર ચોકડી પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન શંકાસ્પદ અટિકા નીકળતા તેને અટકાવતા તેમાં એક મહિલા અને બાળક બેઠા હતા પરંતુ પોલીસને શંકા જતાં કારની ઝીણવટભરી તલાશી લેતા અટિકાના ચોરખાનામાંથી રૂા.૬૧,૪૪૦ની કિંમતના ૩૮૪ ચપલા મળી આવ્યા હતા.
આ અંગે પોલીસે ગુનો નોંધી દમણના બુટલેગર નિતેષ કેશુભાઈ ઘોડી (ઉ.વ.૪૩), દમણની મહિલા અર્ચનાબેન સુરેશભાઈ મંજવેલકર (ઉ.વ.૩૮) અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની ધરપકડ કરી કાર, દારૂ, મોબાઈલ ફોન ૩,૬૯,૯૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો જેતપુરના કપિલ ઉર્ફે ટીનો દયારામ નિમાવતે મંગાવ્યો હતો. આ કામગીરી રૂરલ એલસીબીએ કરી હતી.
વિંછીયા પાસે કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો
વિંછીયાના અજમેર-સણોસરા રોડ પર પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ આઈ-૨૦ કાર રૂરલ એલસીબીએ અટકાવી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો રૂા.૬૩,૪૪૦ની કિંમતનો ૨૪૪ બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે જસદણના ખડવાવડી ગામે રહેતા કિરણ કલાભાઈ મકવાણાની ધરપકડ કરી ૫,૬૮,૪૪૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પૂછપરછમાં દારૂનો જથ્થો વિંછીયાના મોટામાત્રા ગામના ઈશ્વર ઉર્ફે ઈસો બાવળિયા નામના બુટલેગરનો હોવાનું ખૂલ્યું છે.
