ભારતને શાંતિ જોઈતી હોય તો યુદ્ધની તૈયારી કરો
ચીન લાંબા ગાળાનો મુખ્ય પ્રતિસ્પર્ધી, પાકિસ્તાન તાત્કાલિક પડકાર, સુરક્ષા દળોએ કોઈ પણ દૂસ્સાહસને રોકવા તૈયાર રહેવું જોઈએ
દેશની સેનાના પૂર્વ વડા જનરલ મનોજ મુકુંદ નરવણેએ પુણેમાં તેમના નવા પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું કે, “જો તમને શાંતિ જોઈતી હોય તો યુદ્ધની તૈયારી કરો” આ કહેવતને આધારે તેમણે ભારતના સુરક્ષા પડકારો વિશે સ્પષ્ટ વાત કરી છે.
જનરલ નરવણેએ ભારતના બે મુખ્ય પડોશીઓ પાકિસ્તાન અને ચીન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન તાત્કાલિક સુરક્ષા પડકાર છે, કારણ કે તે આતંકવાદને સતત સમર્થન આપે છે અને પશ્ચિમી સરહદ પર જોખમ ઊભું કરે છે. ભારતે પાકિસ્તાન સાથે મોટા યુદ્ધો લડ્યા છે, તેથી હાલમાં ધ્યાન પશ્ચિમી સરહદ તરફ છે. પરંતુ લાંબા ગાળે અને આવનારા વર્ષોમાં ચીન ભારતનો મુખ્ય પ્રતિસ્પર્ધી બનશે. તેમણે જાણી જોઈને “શત્રુ” નહીં પણ “પ્રતિસ્પર્ધી” શબ્દનો ઉપયોગ કર્યો છે.
તેમણે કહ્યું કે ચીન રાજકીય, આર્થિક, વેપાર અને લશ્કરી ક્ષેત્રમાં ભારત સાથે સ્પર્ધા કરશે. જ્યાં સ્પર્ધા હોય ત્યાં થોડો અથડામણોનો ખતરો પણ રહે છે. તેમ છતાં, તેમણે ભારતને સલાહ આપી કે ચીન સાથેના મતભેદોને વાતચીત અને સંવાદ દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ. બળનો ઉપયોગ હંમેશા છેલ્લો વિકલ્પ હોવો જોઈએ. પાડોશી દેશોમાં અસ્થિરતાની સીધી અસર ભારત પર પડી શકે છે.
આ પણ વાંચો: યમન અને સોમાલિયાના તટ પાસે 22 ભારતીયો સાથે 2 જહાજ હાઇજેક
જનરલ નરવણેએ વધુમાં કહ્યું કે, શાંતિ જાળવવા માટે મજબૂત લશ્કરી અવરોધક ક્ષમતા જરૂરી છે. સશસ્ત્ર દળો હંમેશા તૈયાર રહેવા જોઈએ, જેથી કોઈ પણ દેશ બળનો ઉપયોગ કરવાની હિંમત ન કરે અથવા કોઈ દુ:સાહસ ન કરે. તેમણે પડોશી દેશો (નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર વગેરે)માં સ્થિરતા જાળવવા પર પણ ભાર મૂક્યો, કારણ કે તેમની અસ્થિરતા ભારતને અસર કરી શકે છે.
જનરલ નરવણે ૩૧ ડિસેમ્બર ૨૦૧૯થી ૩૦ એપ્રિલ ૨૦૨૨ સુધી ભારતીય સેનાના વડા રહ્યા હતા. તેમના આ નિવેદને ભારતની સુરક્ષા નીતિ વિશે ફરી એકવાર ચર્ચા શરૂ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત શાંતિની ભાષા બોલે છે, પરંતુ જરૂર પડે તો પોતાની શક્તિનો ઉપયોગ કરવામાં પાછું પગલું નહીં ભરે.
આ નિવેદન વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને ભારતની સરહદી સુરક્ષાના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ચીન અને પાકિસ્તાન બંનેને પડકાર ગણાવવામાં આવી રહ્યા છે.
