તેલંગાણાના મુખ્યમંત્રી રેવંથ રેડીની યુએસ મુલાકાત સરકારે અટકાવી
તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંથ રેડીની અમેરિકાની મુલાકાતને કેન્દ્ર સરકારે રાજકીય મંજૂરી ન આપતાં તેમનો યુએસ પ્રવાસ રદ કરવો પડ્યો છે. હાલ યુકેની મુલાકાતે રહેલા રેડી હવે અમેરિકાના બદલે લંડનમાં નક્કી કરાયેલા કાર્યક્રમો પૂર્ણ કરીને રવિવારે હૈદરાબાદ પરત ફરશે.
રેડીએ જણાવ્યું હતું કે અમેરિકાની મુલાકાતનો મુખ્ય હેતુ વિશ્વની અગ્રણી શૈક્ષણિક અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓને તેલંગાણા સાથે જોડવાનો તથા રાજ્યના યુવાનો માટે વૈશ્વિક સ્તરની શિક્ષણ અને તાલીમની તકો ઊભી કરવાનો હતો. તેમણે કહ્યું કે રાષ્ટ્ર નિર્માણ અને યુવાનોના ભવિષ્ય જેવા મુદ્દાઓને રાજકારણથી ઉપર રાખવા જોઈએ. તેલંગાણા સરકારનું ‘તેલંગાણા રાઇઝિંગ’ અભિયાન રાજ્યની આર્થિક અને માનવસંસાધન ક્ષમતાને મજબૂત બનાવવા માટે અડગપણે આગળ વધશે.
રેડીના જણાવ્યા અનુસાર તેમનો ઉદ્દેશ હૈદરાબાદને વૈશ્વિક જ્ઞાન અને શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે. ઓસ્માનિયા યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ અને જવાહરલાલ નેહરુ ટેકનોલોજિકલ યુનિવર્સિટી જેવી સંસ્થાઓએ શહેરને ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. IIT-હૈદરાબાદ, ISB, IIIT-હૈદરાબાદ અને નાલસાર જેવી સંસ્થાઓએ પણ શહેરની પ્રતિષ્ઠા વધારી છે અને વૈશ્વિક કંપનીઓને આકર્ષી છે.
આ પણ વાંચો: શ્રાવણ માસ નિમિત્તે એસ્ટ્રોન ચોક, અમીન માર્ગ, યુનિ. રોડ, આકાશવાણી ચોકમાં ૩૮ પેઢીમાં તપાસ
મૂળ કાર્યક્રમ મુજબ રેડી હાર્વર્ડ યુનિવર્સિટી, મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT), નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટી અને વર્જિનિયા ટેકની મુલાકાત લેવાના હતા. જોકે તેમની ગેરહાજરી છતાં તેલંગાણા સરકારના અધિકારીઓ અમેરિકામાં જઈને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સમજૂતી કરારો (MoU) અને ભાગીદારી સંબંધિત ચર્ચાઓ પૂર્ણ કરશે.
યુકેમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે બેઠક
રેડીએ ભારપૂર્વક કહ્યું કે રાજ્યના યુવાનોને વૈશ્વિક સ્તરનું શિક્ષણ અને કૌશલ્ય ભારત છોડ્યા વગર જ મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહેશે. યુકે પ્રવાસ દરમિયાન તેઓ ઓક્સફોર્ડ, કેમ્બ્રિજ, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, લંડન બિઝનેસ સ્કૂલ અને યુનિવર્સિટી ઓફ લંડન સહિતની સંસ્થાઓ સાથે ચર્ચાઓ કરશે તથા કૌશલ્ય વિકાસ અને રમતગમત ક્ષેત્રે સહયોગની શક્યતાઓ શોધશે.
વિપક્ષના નેતાઓના વિદેશ પ્રવાસ પર અગાઉ પણ કેન્દ્રની બ્રેક
વિદેશ પ્રવાસ માટે મુખ્યમંત્રીઓ અને રાજ્ય સરકારોના પ્રતિનિધિમંડળોને કેન્દ્ર સરકાર પાસેથી રાજકીય મંજૂરી લેવી જરૂરી હોય છે. રેવંથ રેડીની અમેરિકાની મુલાકાતને મંજૂરી ન મળવાની ઘટના પ્રથમ નથી. 2019માં દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ડેનમાર્ક જવાની મંજૂરી આપવામાં આવી નહોતી. ત્યારબાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પેરિસ ઓલિમ્પિક્સમાં હાજરી આપવા માટે પણ કેન્દ્ર તરફથી લીલી ઝંડી મળી નહોતી. 2018માં કેરળમાં આવેલા વિનાશક પૂર બાદ રાજ્યના મંત્રીઓને વિદેશમાં જઈ રાહત ભંડોળ એકત્ર કરવાની મંજૂરી ન મળતાં તત્કાલીન મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કેન્દ્ર સરકારની ખુલ્લેઆમ ટીકા કરી હતી. રેવંથ રેડીના કેસ પછી ફરી એકવાર વિપક્ષશાસિત રાજ્યોના નેતાઓના વિદેશ પ્રવાસ અને કેન્દ્રની મંજૂરી પ્રક્રિયા ચર્ચાના કેન્દ્રમાં આવી છે.
