2047 ના પોસ્ટ-ડેટેડ ચેકના નશામાં આપણે 2026 નું વર્તમાન ગીરવે મૂકી રહ્યા છીએ?
૭૯મા સ્વાતંત્ર્ય પર્વે દેશભક્તિની વ્યાખ્યા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. એક સમય હતો જ્યારે નેતાઓ અને સિસ્ટમ વર્તમાનના પ્રશ્નો ઉકેલતા હતા; આજે સિસ્ટમ આપણને એક નવો ભવિષ્યવાદી રાષ્ટ્રવાદ (Future Nationalism) વેચી રહી છે. બેરોજગારી, મોંઘવારી, કથળતી મેડિકલ સિસ્ટમ કે ફૂટતા પરીક્ષાના પેપરો પર સવાલ પૂછતા યુવાનોના હાથમાં વિકસિત ભારત – ૨૦૪૭ નું એક રંગીન અને આકર્ષક બ્રોશર પકડાવી દેવામાં આવે છે! અર્થશાસ્ત્ર અને રાજકારણની આ સૌથી ઘાતક સાયકોલોજીકલ ટ્રિક છે—માણસને આવતીકાલના સ્વર્ગના ભ્રમમાં એટલો બધો ડૂબાડી દો કે તે આજના નરક વિશે સવાલ પૂછવાનું જ ભૂલી જાય!
આપણે ૧૯૪૭ માં ભૂતકાળની ગુલામીમાંથી તો મુક્ત થઈ ગયા, પણ આજે આપણે ભવિષ્યના એક કાલ્પનિક યુટોપિયા (Utopia) ના ગુલામ બની ચૂક્યા છીએ. આઝાદીના આ પવિત્ર દિવસે, કોઈ ચીલાચાલુ દેશભક્તિના નારા લગાવવાને બદલે, ચાલો દેશના મગજ પર કબજો જમાવી બેઠેલા આ ફ્યુચર નેશનાલિઝમ નામના રોગને ઓળખીએ.
ઇતિહાસનું એક પાનું ફેરવીએ. ૧૯૪૨ માં જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે બ્રિટિશ સરકારે ક્રિપ્સ મિશનને ભારતમાં મોકલ્યું હતું. સર સ્ટ્રેફોર્ડ ક્રિપ્સે ભારતીય નેતાઓને એક ઓફર આપી કે, “તમે અત્યારે યુદ્ધમાં અમને સાથ આપો, યુદ્ધ પૂરું થશે પછી ભવિષ્યમાં અમે તમને સ્વતંત્રતા (Dominion status) આપીશું.” ત્યારે મહાત્મા ગાંધીએ એક ઐતિહાસિક અને ધારદાર વાક્ય કહેલું: “આ એક ડૂબતી બેંકનો પોસ્ટ-ડેટેડ ચેક છે!” ગાંધીજીએ ભવિષ્યના એ વાયદાને ફગાવીને વર્તમાનમાં ‘હિંદ છોડો’ આંદોલન શરૂ કર્યું હતું, કારણ કે તેઓ જાણતા હતા કે જે સિસ્ટમ આજે તમને ન્યાય નથી આપી શકતી, તે ભવિષ્યના કાગળો પર માત્ર ભ્રમ જ વેચી શકે છે.
આજે બરાબર એ જ સાયકોલોજી પાછી ફરી છે. આજે આપણે ૨૦૨૬ માં ઊભા છીએ, પણ આપણું આખું અર્થતંત્ર, આપણું મીડિયા અને આપણું રાજકારણ ૨૦૪૭ (આઝાદીના ૧૦૦માં વર્ષ) ના પોસ્ટ-ડેટેડ ચેક પર ચાલી રહ્યું છે!
આ પણ વાંચો: કાલથી શ્રીલંકાને તેના જ ઘરમાં પડકારશે ભારત
યુટોપિયાનો વેપાર: વર્તમાનના દર્દ માટે ભવિષ્યનું પેઇન-કિલર
ફ્યુચર નેશનાલિઝમ એ વાસ્તવમાં કોઈ આર્થિક મોડેલ નથી, તે એક પેઇન-કિલર દવા છે જે વળી ભ્રામક છે. સિસ્ટમ બહુ સારી રીતે જાણે છે કે વર્તમાનમાં સરેરાશ નાગરિકની જિંદગી અત્યંત કઠિન બની ગઈ છે. મધ્યમ વર્ગની કમર તોડતો ટેક્સ, જીવનજરૂરી ચીજવસ્તુઓના આસમાને પહોંચેલા ભાવ, અને દાયકાઓથી ગંધાતી સિસ્ટમનો ભ્રષ્ટાચાર—આ રિયાલિટી છે.
જ્યારે નાગરિક આ રિયાલિટીથી કંટાળીને બળવો કરવાના મૂડમાં આવે, ત્યારે સિસ્ટમ તેની સામે એક બહુ મોટો, હાઇ-ટેક અને ગ્લોબલ મૃગજળ ઊભો કરી દે છે. તમને ખાડાવાળા રસ્તાઓ નડે છે? કોઈ વાંધો નહીં, ૨૦૪૭ ની બુલેટ ટ્રેનના સપના જુઓ! તમને સારી હોસ્પિટલ નથી મળતી? ૨૦૪૭ માં આપણે વિશ્વગુરુ બની જઈશું તેના પર ગર્વ કરો! આ એક એવો રાષ્ટ્રવાદ છે જે તમને આજની હકીકત જોતાં રોકે છે અને આવતીકાલની કાલ્પનિક સિદ્ધિઓ પર તાળીઓ પાડવા મજબૂર કરે છે.
ડેમોગ્રાફિક ડિવિડન્ડની ચિંતા: ૨૦૨૬ ના યુવાનનું ૨૦૪૭ માં શું કામ?
આખા વિમર્શની સૌથી મોટી અને કડવી ટ્રેજેડી જો કોઈ હોય તો તે આ દેશનો યુવાન છે. ગણિત બહુ સીધું છે. આજે ૨૦૨૬ માં જે યુવાન ૨૫ વર્ષનો છે, તે ૨૦૪૭ માં ૪૬ વર્ષનો આધેડ બની ચૂક્યો હશે! જે યુવાન આજે ૨૦ વર્ષનો છે, તે પોતાના જીવનનો સૌથી ઊર્જાવાન અને નિર્ણાયક સમય (પ્રાઇમ ટાઈમ) અત્યારે જીવી રહ્યો છે.
જો અત્યારે, આ જ ક્ષણે, તેને યોગ્ય રોજગારી, સારું શિક્ષણ કે સિસ્ટમનો સપોર્ટ નહીં મળે, તો ૨૦૪૭ ના એ કાલ્પનિક વિકસિત ભારતમાં તેનું સ્થાન ક્યાં હશે? શું એ યુવાન ૪૫ વર્ષની ઉંમરે મહાસત્તાના બોર્ડ નીચે બેસીને બેરોજગારી ભથ્થું ખાશે? આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડ (યુવા વસ્તીનો ફાયદો) ની બહુ મોટી-મોટી વાતો કરીએ છીએ, પણ હકીકત એ છે કે વર્તમાનની નિષ્ફળતાઓને છુપાવવા માટે આપણે આખી એક યુવા પેઢીના અસ્તિત્વને ૨૦૪૭ ની કાલ્પનિક વેદી પર બલિ ચડાવી રહ્યા છીએ.
ડિફર્ડ ગ્રેટિફિકેશનનો માસ્ટરસ્ટ્રોક: બળવાખોરને યસ-મેન બનાવવાની કળા
મનોવિજ્ઞાનમાં એક થિયરી છે—’ડિફર્ડ ગ્રેટિફિકેશન’ (Deferred Gratification), એટલે કે ભવિષ્યના મોટા ઇનામ માટે વર્તમાનની તકલીફોને મૂંગા મોઢે સહન કરવાની વૃત્તિ. ફ્યુચર નેશનાલિઝમ આ જ સાયકોલોજી પર રમે છે.
૧૯૪૭ પહેલાં જે માણસ સરકાર સામે સવાલ ઉઠાવતો, વ્યવસ્થાની ખામીઓ ખુલ્લી પાડતો અને પોતાના હક માટે લડતો, તેને આપણે સાચો દેશભક્ત કહેતા. પરંતુ આજે, આ નવા રાષ્ટ્રવાદના મોડેલમાં દેશભક્તિની વ્યાખ્યા ઊંધી થઈ ગઈ છે. આજે જે માણસ વર્તમાન સિસ્ટમ પર સવાલ ઉઠાવે છે, તેને વિકાસ વિરોધી કે નિરાશાવાદી ગણી લેવામાં આવે છે. “થોડી તકલીફ સહન કરી લો, દેશ ૨૦૪૭ માં મહાસત્તા બનવા જઈ રહ્યો છે”—આ વાક્ય બોલીને એક જાગૃત નાગરિકને કાયમ માટે યસ-મેન એટલે કે માથું હલાવતો ગુલામ) બનાવી દેવામાં આવે છે. દેશભક્તિ હવે સિસ્ટમને સુધારવાની જિદ્દ નથી રહી, તે સિસ્ટમની નિષ્ફળતાઓને છુપાવવાનો એક ભાવનાત્મક પડદો બની ગઈ છે.
આઝાદીની અસલી વ્યાખ્યા – આજ પરનો અધિકાર!
તિરંગો જ્યારે હવામાં લહેરાય છે, ત્યારે તે આવતીકાલના પવનોથી નહીં, પણ આજના, અત્યારના પવનોથી લહેરાય છે. સાચી આઝાદી એ ભવિષ્યમાં મળનારા સુવર્ણયુગનો દસ્તાવેજ નથી; સાચી આઝાદી એ નાગરિકનો તેના આજ પરનો કાયદેસરનો અધિકાર છે. સ્વાતંત્ર્ય સેનાનીઓ ૧૯૬૭ કે ૧૯૯૭ ના ભવિષ્ય માટે નહોતા મર્યા, તેઓ પોતાના વર્તમાનના ગૌરવ માટે ફાંસીએ ચડ્યા હતા.
આપણે ૨૦૪૭ ના ભારત માટે ચોક્કસ મહેનત કરવી જોઈએ, મોટા સપના પણ જોવા જોઈએ. પરંતુ, એ સપનાઓની કિંમત ૨૦૨૬ ના યુવાનોની લાચારી, મધ્યમ વર્ગનું આર્થિક શોષણ કે ભ્રષ્ટાચારની બરબાદી ન હોઈ શકે. ભવિષ્યની ઇમારત ચણવા માટે વર્તમાનના પાયાને ખોખલો ન કરાય. આ ૭૯મા સ્વાતંત્ર્ય દિને જો કોઈ એક સાચો સંકલ્પ લેવાનો હોય, તો તે એ છે કે—અમે ૨૦૪૭ ના ભ્રમમાં જીવવાનું બંધ કરીશું અને અમારા ૨૦૨૬ ના વર્તમાનનો સંપૂર્ણ હિસાબ માંગીશું! કારણ કે જે દેશ પોતાનું આજ નથી સાચવી શકતો, તેની આવતીકાલ ક્યારેય આવતી જ નથી.
ભવિષ્યના ભ્રમ પાછળની ૩ કઠોર વાસ્તવિકતાઓ
કાર્લ પોપરની યુટોપિયન એન્જિનિયરિંગ થિયરી:
મહાન ફિલોસોફર કાર્લ પોપરે ચેતવણી આપી હતી કે જ્યારે કોઈ શાસન કે સિસ્ટમ નાગરિકોને ભવિષ્યના સ્વર્ગનું વચન આપે છે, ત્યારે તે હંમેશા વર્તમાનમાં નરક સર્જવાની છૂટ માંગી લે છે. આ સિદ્ધાંત મુજબ, મહાન ભવિષ્યની લાલચ આપીને નાગરિકો પાસે વર્તમાનમાં ગમે તેવા ક્રૂર અને અયોગ્ય આર્થિક નિર્ણયોનું બલિદાન લેવડાવી શકાય છે.
ધ ક્રિપ્સ મિશન સિન્ડ્રોમ (પોસ્ટ-ડેટેડ ચેક):
માર્કેટિંગમાં આને સૌથી ઘાતક પ્રોમિસ કહેવાય છે. નાગરિકનું ધ્યાન હંમેશા એક એવી ડેડલાઈન (જેમ કે ૨૦૪૭) પર કેન્દ્રિત કરી દેવામાં આવે છે, જે એટલી દૂર હોય કે આજનો શાસક કે આજનો સત્તાધીશ ત્યારે જવાબ આપવા માટે અસ્તિત્વમાં જ ન હોય! આ જવાબદારીમાંથી કાયમ માટે છટકી જવાનો પોલિટિકલ માસ્ટરસ્ટ્રોક છે.
એલેક્સી યુરચકનું હાઈપર-નોર્મલાઈઝેશન:
૧૯૮૦ ના દાયકાના સોવિયેત યુનિયનનું ઉદાહરણ આપતા માનવશાસ્ત્રી એલેક્સી યુરચકે આ શબ્દ શોધ્યો હતો. તેનો અર્થ એવો થાય કે—*”સિસ્ટમ જાણે છે કે તે નિષ્ફળ છે, નાગરિકો પણ જાણે છે કે સિસ્ટમ નિષ્ફળ છે, અને સિસ્ટમ એ પણ જાણે છે કે નાગરિકો બધું જ જાણે છે! છતાં, બંને પક્ષો ભેગા મળીને એક એવો ભ્રમ જીવે છે કે બધું જ શાનદાર ચાલી રહ્યું છે અને ભવિષ્ય મહાન છે.” આ સામૂહિક ભ્રમણા જ આજના ફ્યુચર નેશનાલિઝમનો અસલી ચહેરો છે!
