કાલથી શ્રીલંકાને તેના જ ઘરમાં પડકારશે ભારત
સોની સ્પોર્ટ્સ પર થશે પ્રસારણ: નવ વર્ષ બાદ શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી રમશે ટીમ ઈન્ડિયા
શનિવારથી ભારત-શ્રીલંકા વચ્ચે ગૉલ ખાતે પહેલી ટેસ્ટ મેચ રમાશે. આ સાથે જ નવ વર્ષ બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી રમવા ઉતરશે. ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ટીમનું પ્રદર્શન હમણા કશું ખાસ રહ્યું નથી. ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાએ ઘરમાં આવીને ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમને હરાવી હતી. ટીમ પાછલી ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પણ પહોંચી ન્હોતી.
આ મેચ સવારે દસ વાગ્યાથી શરૂ થશે જેનું પ્રસારણ સોની સ્પોર્ટસ નેટવર્કની તમામ ચેનલ ઉપર થશે. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની વાત કરવામાં આવે તો સરફરાઝ ખાનની જગ્યાએ ધ્રુવ જુરેલને તક આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ટીમમાં યશસ્વી જયસ્વાલ, રાહુલ, પડ્ડીકલ, ગીલ, પંત, રવિન્દ્ર જાડેજા, માનવ સુથાર, કુલદીપ યાદવ, ગુરનૂર બરાડ અને મોહમ્મદ સીરાજ સામેલ હોઈ શકે છે. ટીમ વતી ઓપનિંગ જયસ્વાલ અને રાહુલ કરશે જ્યારે ત્રીજા ક્રમે પડ્ડીકલ આવી શકે છે. આ પછી ચોથા ક્રમે ગીલ, પાંચમા ક્રમે પંતનું પાક્કું છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિના પ્રતિક સમાન તરણેતર લોકમેળો 14 થી 17 સપ્ટેમ્બરે યોજાશે
સ્પિનર્સના રૂપમાં રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવની જગ્યા પાક્કી છે. જ્યારે ત્રીજા સ્પીનર તરીકે સારાંશ જૈનને તક અપાઈ શકે છે. સીરાજની સાથે ફાસ્ટ બોલરના રૂપમાં ગુરનૂર બરારમાંથી કોઈ એકની પસંદગી કરાઈ શકે છે.
ભારત-શ્રીલંકા વચ્ચે કુલ ૪૬ ટેસ્ટ મેચ રમાઈ છે જેમાં ભારતનું પલડું ભારે રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ ૨૨ મેચ જીતી છે તો શ્રીલંકા માત્ર સાત મેચ જીતવામાં સફળ રહ્યું છે તો ૧૭ મેચ ડ્રો થઈ છે. ભારતે શ્રીલંકાને તેના ઘરમાં નવ વખત હરાવ્યું છે જ્યારે શ્રીલંકાએ સાતેય મેચ પોતાના ઘરમાં જ જીતી છે.
