નાગરિકોનો અવાજ રાજ્ય બહાના કાઢીને દબાવી ન શકે: મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો
અસંમતિઓનો સૂર વ્યક્ત કરવો એ મૂળભૂત અધિકાર
“અભિવ્યક્તિની આઝાદી માત્ર તમને ગમતા વિચારો પૂરતી મર્યાદિત નથી, જે વિચારની તમે વિરુદ્ધમાં છો તેનું રક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે.” – મદ્રાસ હાઈકોર્ટ
તમિલનાડુમાં NEET (મેડિકલ પ્રવેશ પરીક્ષા) અને EWS (આર્થિક રીતે નબળા વર્ગો માટેનું અનામત) ના વિરોધમાં આયોજિત થનારી એક શાંતિપૂર્ણ બાઇક રેલીને સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા મંજૂરી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે મદ્રાસ હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લોકશાહીમાં અસંમતિનો સૂર વ્યક્ત કરવો એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે અને કાયદો-વ્યવસ્થા જાળવવાના બહાને રાજ્ય સરકાર નાગરિકોના બંધારણીય અધિકારોને છીનવી કે દબાવી શકે નહીં.
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક સામાજિક સંગઠન દ્વારા NEET પરીક્ષા પદ્ધતિ અને EWS અનામતના વિરોધમાં જનજાગૃતિ ફેલાવવા માટે એક શાંતિપૂર્ણ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકોએ નિયમ મુજબ સ્થાનિક પોલીસ પાસે આ રેલી માટે પરવાનગી માંગી હતી. જોકે, પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની આશંકા અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જવાની દલીલ આગળ ધરીને રેલીની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. આ સરકારી આદેશથી નારાજ થઈને આયોજકોએ પોતાના મૂળભૂત અધિકારોની રક્ષા માટે મદ્રાસ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
આ પણ વાંચો: એક જ ‘mAadhaar’ એપમાં ઉમેરી શકાશે 5 પ્રોફાઈલ, ફિઝિકલ કાર્ડ સાથે રાખવાની ઝંઝટ થઈ ખતમ
મદ્રાસ હાઈકોર્ટે આ મામલે પોલીસના પ્રતિબંધાત્મક આદેશને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો અને અરજદારોને શરતો સાથે બાઇક રેલી યોજવાની મંજૂરી આપી હતી. અદાલતે તેના ચુકાદામાં જણાવ્યું કે, માત્ર કાયદો અને વ્યવસ્થાની સંભવિત સમસ્યાઓનો હવાલો આપીને કોઈપણ શાંતિપૂર્ણ પ્રદર્શનને રોકી શકાય નહીં. જો નાગરિકો શાંતિપૂર્ણ રીતે અને શસ્ત્રો વિના એકઠા થઈને પોતાનો વિરોધ નોંધાવવા માંગતા હોય, તો તેમને સુરક્ષા પૂરી પાડવી એ રાજ્યની જવાબદારી છે, નહીં કે તેમના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવો.
ચુકાદાના મહત્વના અંશો અને કોર્ટની ટિપ્પણીઓ
વિચારોનું રક્ષણ: મુક્ત અવાજ (Free Speech) માત્ર એવા વિચારો પૂરતો સીમિત નથી જેને તમે પસંદ કરો છો. લોકશાહીની ખરી કસોટી એ છે કે જે વિચારોની તમે સખત વિરુદ્ધમાં છો, તેનું પણ રક્ષણ થવું જોઈએ.
રાજ્યની સત્તા મર્યાદિત: સત્તા પર બેઠેલી સરકાર કે રાજ્ય નાગરિકોના કાયદેસરના અને શાંતિપૂર્ણ અસંમતિના અવાજને કોઈપણ સંજોગોમાં દબાવી કે કચડી શકે નહીં.
અધિકારો પર તરાપ નહીં: ટ્રાફિક અથવા કાયદો-વ્યવસ્થાનું બહાનું કાઢીને નાગરિકોને બંધારણની કલમ ૧૯ હેઠળ મળેલા શાંતિપૂર્ણ આંદોલન અને અભિવ્યક્તિના અધિકારથી વંચિત રાખી શકાય નહીં.
પોલીસની ભૂમિકા: પોલીસનું કામ શાંતિપૂર્ણ પ્રદર્શનોને રોકવાનું નથી, પરંતુ એ પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સુરક્ષા અને વ્યવસ્થા પૂરી પાડવાનું છે.
