કેબ કંપનીઓને કેન્દ્ર સરકારનો કડક આદેશ, ઓલા-ઉબરના ગ્રાહકોને મોટી રાહત
જો તમે પણ ઓલા (Ola), ઉબર (Uber) કે અન્ય કોઈ એપ દ્વારા કેબ બુક કરો છો અને રાઈડ કન્ફર્મ થતાં પહેલાં જ સ્ક્રીન પર એડવાન્સ ટિપ કે વધારાના પૈસા ચૂકવવાનો વિકલ્પ જોવામાં પરેશાન થતા હતા, તો તમારા માટે રાહતના સમાચાર છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તમામ કેબ એગ્રીગેટર્સને મોટો આદેશ આપીને આ પદ્ધતિ પર રોક લગાવી દીધી છે.
એપમાંથી હટાવવા પડશે આ વિકલ્પો
સરકારે તમામ કેબ કંપનીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તેઓ તેમના મોબાઈલ એપ અને ડિજિટલ પ્લેટફોર્મ પરથી ‘એડવાન્સ ટિપ’ અને ‘ઝડપી રાઈડ મેળવો’ જેવા તમામ ફીચર્સ તાત્કાલિક ધોરણે હટાવી લે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, સફર શરૂ થતાં પહેલાં એક્સ્ટ્રા પેમેન્ટ માટે દર્શાવવામાં આવતા આવા મેસેજ ‘મોટર વહીકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સ, 2025’ ના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
કંપનીઓ ગ્રાહકો પર વધારાના પૈસા ચૂકવવાનું દબાણ કરી શકે નહીં કે એવું દર્શાવી શકે નહીં કે વધારાની રકમ આપવાથી જ ડ્રાઈવર રાઈડ સ્વીકારશે અથવા ઝડપી સર્વિસ મળશે.
રાઈડ પૂરી થયા પછી જ અને સ્વૈચ્છિક જ આપી શકાશે ટિપ
મોટર વહીકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સ, 2025 ના ક્લોઝ 14.15 નો સંદર્ભ આપીને મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા છે:
સમય મર્યાદા: મુસાફર માત્ર મુસાફરી પૂરી થયા બાદ જ પોતાની મરજીથી ડ્રાઈવરને ટિપ આપી શકશે, બુકિંગ વખતે નહીં.
સંપૂર્ણ સ્વૈચ્છિક: ટિપ આપવી કે ન આપવી તે સંપૂર્ણપણે મુસાફરની ઈચ્છા પર નિર્ભર રહેશે.
ડ્રાઈવરને સીધો લાભ: મુસાફરે આપેલી ટિપની પૂરેપૂરી રકમ સીધી ડ્રાઈવરના ખાતામાં જ જવી જોઈએ, કેબ કંપની (એગ્રીગેટર) તેમાં કોઈ પણ પ્રકારનું કમિશન કે કાપ મૂકી શકશે નહીં.
ગ્રાહકોને આર્થિક બોજથી મુક્તિ
મધ્યસ્થ ગ્રાહક સુરક્ષા ઓથોરિટી (CCPA) અગાઉ પણ બુકિંગ પહેલાં ટિપ માંગવાની આ પદ્ધતિ સામે વાંધો ઉઠાવી ચૂકી છે. સરકારનું માનવું છે કે અગાઉથી ટિપ કે ફાસ્ટ રાઈડના નામે વધારાના પૈસા માંગવા એ ગ્રાહકો પર ખોટો આર્થિક બોજ નાખવા સમાન છે. માર્ગ પરિવહન મંત્રાલયના આ કડક આદેશથી હવે ગ્રાહકો કોઈ પણ જાતના દબાણ કે લાલચ વગર તણાવમુક્ત થઈને સરળતાથી પોતાની કેબ રાઈડ બુક કરી શકશે.
