વિદેશી ફંડ ઉપર લગામ મુકવાનો વધુ એક પ્રયાસ
સોમવારથી ત્રણ દિવસ ભાજપ અને વિપક્ષના સાંસદોને ગૃહમાં હાજર રહેવા અપાયો વ્હીપ
કેન્દ્ર સરકારે વિદેશથી એન.જી.ઓ. ને આવતા ફંડને નિયંત્રિત કરવા માટે ફોરેન કોન્ટ્રીબ્યુશન ( રેગ્યુલેશન) એમેડમેન્ટ બીલ (FCRA)રજૂ કર્યું છે અને મોટાભાગે બુધવારે તેના ઉપર ચર્ચા થશે. જો કે, આ બીલના મહત્વને જોતા ભાજપ અને વિપક્ષે પોતપોતાના સાંસદો માટે વ્હીપ જાહેર કરીને તા. ૧૦, ૧૧ અને ૧૨ એમ ત્રણ દિવસ ગૃહમાં ઉપસ્થિત રહેવા આદેશ આપ્યો છે. આ બીલ અંગે વિપક્ષના તેવર જોતા ગૃહમાં ભારે ધમાલ થવાની શક્યતા છે.
આ પૂર્વે શુક્રવારે સંસદના બંને ગૃહમાં ભારે હોબાળો થયો હતો અને કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. જો કે સરકાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ (સુધારા) બિલપસાર કરાવવામાં સફળ રહી હતી.
આ બિલ મુજબ, FCRA રિન્યૂ ન કરનાર સંસ્થાની વિદેશી ફંડથી બનેલી મિલકતો, જેમાં ચર્ચ કે મસ્જિદ પણ સામેલ છે, તે સરકાર જપ્ત કરી શકશે. સરકારે આ બીલ માર્ચ-૨૬માં રજુ કર્યું હતું પરંતુ વિપક્ષનાં વિરોધને લીધે તે મંજુર થઇ શક્યુ ન હતું. આથી હવે સરકારે ફરી એક વખત આ બીલ પસાર કરવાનો પ્રયાસ શરુ કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટતા કરી છે કે બિલ ધર્મનિરપેક્ષ છે. સરકાર પાસે બિલ પાસ કરાવવા પૂરતું સંખ્યાબળ છે.
FCRA એ વિદેશી ફંડિંગને નિયંત્રિત કરતો કાયદો છે. તેને 1976માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી દરમિયાન બનાવ્યો હતો. તેનો હેતુ ભારતીય એન.જી.ઓ. માં વિદેશી તાકાતોનું ફંડિંગ રોકવાનો હતો, જેથી વિદેશી નાણાં દ્વારા ભારતની આંતરિક બાબતોને પ્રભાવિત ન કરી શકાય. 2010માં મનમોહન સિંહ સરકારે અને 2020માં મોદી સરકારે આ કાયદાને વધુ કડક બનાવ્યો હતો. 2020ના ફેરફારો મુજબ એન.જી.ઓ. હવે માત્ર 20% વિદેશી નાણાં વહીવટી ખર્ચમાં વાપરી શકે છે, અને તમામ વિદેશી ફંડ દિલ્હીની એસ.બી.આઈ.ની બ્રાન્ચના નિશ્ચિત ખાતામાં જ મેળવવું પડે છે.
આ પણ વાંચો: ટ્રાફિકનાં ઈ-મેમોના 1600 કરોડ રૂપિયા બાકી : લોકો ભરતા જ નથી
કેરળ, મિઝોરમ અને પૂર્વોત્તર રાજ્યોમાં ઈસાઈ મિશનરી સંસ્થાઓ દાયકાઓથી વિદેશી ફંડથી ચાલે છે.કોંગ્રેસના સાંસદ શશી થરૂરના જણાવ્યા મુજબ, કડક નિયમોના કારણે વિદેશી ફંડિંગમાં પહેલાથી જ 87% નો ઘટાડો થયો છે.
બીલમાં આટલી નવી જોગવાઈ છે
સંસ્થાઓએ હવે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ પર સ્પષ્ટ લખવું પડશે કે, વિદેશી નાણાં કયા કામ માટે અને કયા રાજ્યમાં વપરાશે.
સરકાર એક નવી ઓથોરિટી બનાવશે, જે તે એન.જી.ઓ. ના વિદેશી ફંડથી બનેલી મિલકતોને જપ્ત કરી શકશે, મેનેજ કરી શકશે અથવા વેચી શકશે.
જો કોઈ સંસ્થા 5 વર્ષ પછી પોતાનું રજીસ્ટ્રેશન રિન્યૂ ન કરાવે તો તેનું સર્ટિફિકેટ આપમેળે રદ થશે અને મિલકત ઓથોરિટી પાસે જતી રહેશે.
એન.જી.ઓ.એ પોતાનું લાયસન્સ બચાવવા દર વર્ષે ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા વિદેશી ફંડ એકાઉન્ટમાંથી ખર્ચવા પડશે.
નિયમ ભંગ પર મહત્તમ સજા 5 વર્ષથી ઘટાડીને 1 વર્ષ કરવામાં આવી છે.
જો જપ્ત કરાયેલી મિલકત કોઈ પૂજા સ્થળ હોય, તો તેનું ધાર્મિક સ્વરૂપ બદલી શકાશે નહીં.
