વિદ્યાર્થી આંદોલનને વિદેશી ભંડોળ મળતું હોવાની કોઈ માહિતી નથી: વિદેશ મંત્રાલયનો સત્તાવાર ખુલાસો
દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનને વિદેશી ભંડોળ મળતું હોવાની કોઈ માહિતી સરકાર પાસે નથી, એવો સ્પષ્ટ ખુલાસો વિદેશ મંત્રાલયે કર્યો છે. આંદોલન પાછળ ભારત વિરોધી વિદેશી તત્ત્વો સક્રિય હોવાનો પ્રચાર કરીને તેને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, પરંતુ વિદેશ મંત્રાલયના આ સત્તાવાર નિવેદન બાદ આવા દાવાઓને કોઈ સત્તાવાર આધાર નથી તે સ્પષ્ટ થઈ ગયું છે.
નવી દિલ્હીમાં શુક્રવારે યોજાયેલી નિયમિત પત્રકાર પરિષદ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને દિલ્હી સહિત દેશના વિવિધ ભાગોમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનને કથિત વિદેશી ફંડિંગ અથવા વિદેશી તત્ત્વોની સંડોવણી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “આ મુદ્દે મારી પાસે શેર કરવા જેવી કોઈ માહિતી નથી.”
આ પણ વાંચો: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે રાહુલ ગાંધીએ અગાઉથી આપ્યા હતા સંકેત
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા તેમજ કેટલાક વર્તુળોમાં વિદ્યાર્થીઓના આંદોલન પાછળ “વિદેશી હાથ” હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા હતા. કેટલીક ન્યૂઝ ચેનલોએ આ આંદોલન પાછળ યુએસ, સોરોસ, પાકિસ્તાન ,બાંગ્લાદેશ અને ચીન ના દોરીસંચારની વાર્તાઓ કરી હતી. હવે વિદેશ મંત્રાલયના ખુલાસા બાદ આંદોલનને વિદેશી ફંડિંગ મળતું હોવાના દાવા અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી ઉપલબ્ધ નથી તે સ્પષ્ટ થઈ ગયું છે.
