હોર્મુઝમાં ભારતીય ખલાસીઓને ન મોકલવા શિપિંગ કંપનીઓને આદેશ
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી વધેલા તણાવ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં વેપારી જહાજો પર થઈ રહેલા હુમલાઓને પગલે ભારત સરકારે શિપિંગ કંપનીઓ, શિપ મેનેજરો અને ભરતી એજન્સીઓને આગામી આદેશ સુધી હોર્મુઝ માર્ગેથી પસાર થતાં જહાજોમાં ભારતીય ખલાસીઓની નિયુક્તિ ન કરવાની કડક સૂચના આપી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ મેરીટાઈમ એડમિનિસ્ટ્રેશન (DGMA)એ, પર્શિયન ગલ્ફ અને આસપાસના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું હોવાથી ભારતીય ખલાસીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે. જહાજોના કેપ્ટનોને સતત નેવિગેશનલ ચેતવણીઓ અને સુરક્ષા સ્થિતિ પર નજર રાખવા પણ સૂચના અપાઈ છે.
આ પણ વાંચો: વાંગચૂકને બચાવવા જરૂરી હોય એ બધા જ પગલાં લેવા દિલ્હી હાઇકોર્ટની સૂચના
નોંધનીય છે છેલ્લા બે દિવસમાં હોર્મુઝ નજીકના હુમલાઓમાં બિહારના ગોપાલગંજના રોહન કુમાર (31) અને પુણેના હેરંબ કર્મારકર (30) નામના બે ભારતીય ખલાસીઓના અલગ-અલગ હુમલામાં મોત થયા હતા. ભારત સરકારે આ ઘટનાઓ અંગે ઈરાન સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે અને મૃતકોના પાર્થિવ દેહને વતન પરત લાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. ભારત વિશ્વમાં સૌથી વધુ ખલાસીઓ પૂરા પાડતા દેશોમાંનું એક હોવાથી આ નિર્ણયને ભારતીય નાવિકોની સુરક્ષા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
