ભારત, બ્રિટન વચ્ચેનો મુક્ત વેપાર કરાર લાગુ
બ્રિટનની બજારમાં ભારતની 99 ટકા વસ્તુઓ ઉપર ઝીરો ડ્યુટીનો અમલ શરૂ
ભારત અને બ્રિટન વચ્ચેનો ઐતિહાસિક ‘વ્યાપક આર્થિક અને વેપાર કરાર’ જે 15 જુલાઈના રોજથી એટલે કે બુધવારથી અમલમાં આવ્યો છે તે મોદી સરકારનો છઠ્ઠો મુખ્ય મુક્ત વેપાર કરાર (FTA) છે, જે ભારતની નિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ કરારનો સૌથી મોટો ફાયદો એ છે કે ભારતીય નિકાસકારોને યુકે બજારમાં 99% ઉત્પાદનો પર ‘શૂન્ય-ડ્યુટી’ નો લાભ મળશે, જેનાથી ભારતીય માલ ત્યાં સસ્તો અને વધુ સ્પર્ધાત્મક બનશે.
આ કરાર અમલમાં આવવાથી સ્કોચ વ્હિસ્કી, કાર સસ્તા મળશે અને સ્ટીલ તથા આઇટી ઇન્ડસ્ટ્રીને મોટો લાભ થશે. વિદેશી બ્રાન્ડ્સ સસ્તા થશે. કાર અને ટ્રક પર ઇમ્પોર્ટ ડયુટી ઘટશે, યુકે જનારા આઇટી પ્રોફેશનલોને રૂપિયા બચાવવાની તક મળશે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને બ્રિટન વચ્ચેનો સામાજિક સુરક્ષા કરાર પણ 15 જુલાઈથી અમલમાં આવ્યો છે. ગોયલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અને સામાજિક સુરક્ષા કરારના અમલીકરણ સાથે, ભારત અને બ્રિટન વચ્ચેના આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે.
તેમણે કહ્યું કે કરાર ભારતના ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને નવી ગતિ આપશે. આ ઉપરાંત, ઘણા મુખ્ય ભારતીય પ્રદેશોને યુકે બજારમાં વધુ સારી પહોંચ મળશે. આ કરાર ટેકનોલોજી, વ્યાવસાયિક સેવાઓ અને નવીનતામાં સહયોગને વધુ મજબૂત બનાવશે. તે કુશળ ભારતીય વ્યાવસાયિકોના અવાજોને પણ પ્રોત્સાહન આપશે. સામાજિક સુરક્ષા સમાધાન બ્રિટનમાં કામચલાઉ ધોરણે કામ કરતા ભારતીય વ્યાવસાયિકોને નોંધપાત્ર ટેકો પૂરો પાડશે અને ભારતીય કંપનીઓની સ્પર્ધાત્મકતાને પણ મજબૂત બનાવશે.
