વાવાઝોડું વાદળો તારી જતાં ગુજરાત પરથી વાદળો ગાયબ: સપ્તાહ સુધી વરસાદમાં કોઇ એંધાણ નથી, ખેડૂતોમાં ચિંતા
આ વર્ષે અલનીનોની અસરના કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ૧૫ દિવસ મોડું ચોમાસુ બેઠું છે ત્યારે મેઘરાજાના પ્રથમ રાઉન્ડ બાદ જ અચાનક સૌરાષ્ટ્ર-ગુજરાત પરથી વાદળો ગાયબ થઈ જતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિલિપાઈન્સ પાસે સર્જાયેલા ચક્રાવાત બાબીના કારણે ગુજરાત-રાજસ્થાન પરથી વાદળો ગાયબ થઈ ગયા હોય આગામી એક સપ્તાહ સુધી વરસાદ નહીં પડે તેવી આગાહી કરાઈ છે.
દર વર્ષે જૂન મહિનાના પ્રારંભે નૈઋત્ય ચોમાસાનો કેરળથી પ્રારંભ થયા બાદ ધીમે ધીમે ચોમાસુ આગળ વધી આખા દેશમાં ફેલાઈ જતું હોય છે. આ વર્ષે અલનીનોની અસરના કારણે દુષ્કાળ પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે ત્યારે જુલાઈ માસના પ્રારંભે એકસાથે પાંચ-પાંચ સિસ્ટમ સક્રિય થતાં મહારાષ્ટ્ર-ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થયો હતો.
મેઘરાજાએ એક સપ્તાહ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળી નાખ્યા બાદ પોરો ખાધો છે ત્યારે ઓચિંતા જ સૌરાષ્ટ્ર-ગુજરાત પર સર્જાયેલા વાદળો ગાયબ થઈ ગયા છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ૧૮થી ૨૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા લાગ્યો છે અને ક્યાંય પણ વરસાદના વાવડ નહીં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે ત્યારે ચોમાસાને લગતા માઠા સમાચાર સામે આવ્યા છે.
મેઘરાજાના પ્રથમ રાઉન્ડ બાદ પૂર્વીય દેશોમાં મહાવિનાશક બાબી ચક્રવાત સર્જાયું છે જે ચક્રવાત ગુજરાત-રાજસ્થાન પરથી વરસાદી વાદળાઓ તાપી જતાં વાવાઝોડું ગુજરાત માટે વિલન બની રહ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
હવામાન વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આગામી એક સપ્તાહ સુધી સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં ક્યાંય વરસાદ નહીં પડે. જો કે અમુક હવામાન નિષ્ણાતો દ્વારા આગામી ૧૫ જુલાઈથી ફરી મેઘરાજાનો રાઉન્ડ આવશે તેવી આગાહી કરવામાં આવી રહી છે.
