ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકીનું મોત – જાણો લક્ષણો
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે ફરી માથું ઊંચક્યું છે. સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં એક પછી એક શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં 3 બાળકના મોત બાદ હવે વધુ એક 3 વર્ષની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયું છે. સ્થિતિની ગંભીરતા જોતા સિવિલમાં શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે અને આરોગ્ય મંત્રીએ તાત્કાલિક પગલાં લેવાની સૂચના આપી છે.
હિંમતનગરમાં વધુ એક શંકાસ્પદ મોત
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પોશીના તાલુકાના દેમતીમેરા ગામની 3 વર્ષીય બાળકી આકૃતિ પરમારને 7 જુલાઈએ દાખલ કરવામાં આવી હતી. 8 જુલાઈની બપોરે પરિવારજનો ડોક્ટરને જાણ કર્યા વિના બાળકીને લઈને નીકળી ગયા હતા. રસ્તામાં જ બાળકીનું મૃત્યુ થયું. હાલ આ બાળકીનો રિપોર્ટ પેન્ડિંગ છે.
હોસ્પિટલના PICUમાં હાલ 2 બાળકીઓ સારવાર હેઠળ છે, તેમના રિપોર્ટ પણ આવવાના બાકી છે. આરોગ્ય વિભાગના એપિડેમિક અધિકારીના જણાવ્યા મુજબ છેલ્લા 15 દિવસમાં ચાંદીપુરા વાયરસના કારણે 4 બાળકોના મોત થયા છે.
પંચમહાલમાં પણ કહેર
તાજેતરમાં જ ગોધરા તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામના બે માસૂમ બાળકોના પણ ચાંદીપુરા વાયરસના કારણે મોત થયા હતા. જે બાદ આરોગ્ય વિભાગે આ મુદ્દાને અત્યંત ગંભીરતાથી લીધો છે.
આ પણ વાંચો: નશા માટે થતો દુરુપયોગ રોકવા સરકારનો કડક નિર્ણય, જાન્યુઆરી 2027થી નવો નિયમ લાગુ
આરોગ્ય વિભાગ એક્શનમાં, મંત્રીની બેઠક
7 જુલાઈએ ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે, સારવાર અને જાગૃતિ અભિયાન ચલાવવાની સૂચના આપવામાં આવી છે. હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે.
ચાંદીપુરા વાયરસ શું છે?
ચાંદીપુરા વાયરસ એક રેતીની માખી – Sandfly દ્વારા ફેલાતો વાયરસ છે. 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં તેની સૌપ્રથમ ઓળખ થઈ હતી. આ વાયરસ મગજમાં સોજો એટલે કે એન્સેફેલાઇટિસ કરે છે.
ખાસ કરીને 2થી 16 વર્ષના બાળકોમાં તેનું જોખમ સૌથી વધુ છે. વરસાદની ઋતુમાં રેતીની માખીઓની સંખ્યા વધતા કેસ પણ વધે છે. આ બીમારી એક વ્યક્તિથી બીજામાં સીધી ફેલાતી નથી.
ચાંદીપુરાના લક્ષણો શું છે?
શરૂઆતમાં સામાન્ય તાવ જેવા લક્ષણો દેખાય છે, પરંતુ 24થી 72 કલાકમાં તે ગંભીર બની જાય છે:
– અચાનક ઊંચો તાવ આવવો
– માથું દુખવું અને શરીરમાં દુખાવો
– વારંવાર ઉલ્ટી થવી
– બેભાન થવું અથવા આંચકી/ફિટ્સ આવવા
– થાક અને ચીડિયાપણું
બચવાના 4 અસરકારક ઉપાય
આરોગ્ય વિભાગે વાલીઓને આ સાવચેતી રાખવાની અપીલ કરી છે:
1. રેતીની માખીથી બચો: રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો.
2. સ્વચ્છતા રાખો: ઘરની આજુબાજુ પાણી ભરાવા ન દો. કચરો અને ગંદકી દૂર કરો.
3. દિવાલોની તિરાડો બંધ કરો: રેતીની માખીઓ તિરાડોમાં રહે છે.
4. તાત્કાલિક સારવાર: બાળકને તાવ સાથે આંચકી કે ઉલ્ટી આવે તો તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જાઓ. મોડું કરવું જોખમી સાબિત થઈ શકે છે.
હાલ સમગ્ર આરોગ્ય તંત્ર એલર્ટ પર છે. નાગરિકોને અપીલ છે કે કોઈપણ લક્ષણ દેખાય તો ગભરાવાને બદલે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરે.
