ટીમ ઈન્ડિયાને ૧૨૫ કરોડનું ઈનામ !
પહેલી વખત ટીમને મળશે આટલી જંગી રકમ
બીસીસીઆઈ સચિવ જય શાહે કરી જાહેરાત: ખેલાડીઓ-સપોર્ટિંગ સ્ટાફ ઉપર છપ્પર ફાડીને વરસશે પૈસા
ટી-૨૦ વર્લ્ડકપના ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને ૭ રને હરાવીને ટીમ ઈન્ડિયાએ ૧૭ વર્ષ બાદ ટી-૨૦ વર્લ્ડકપ પોતાના નામે કર્યો છે ત્યારે આ મહાજીતમાં સામેલ તમામ ખેલાડી તેમજ સપોર્ટિંગ સ્ટાફ ઉપર છપ્પર ફાડીને પૈસા વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે. ચેમ્પિયન બનવા બદલ ટીમ ઈન્ડિયાને આઈસીસી તરફથી ૨૦ કરોડથી વધુનું ઈનામ મળ્યા બાદ હવે બીસીસીઆઈએ પણ પોતાની તિજોરી ખોલી નાખી છે અને અત્યાર સુધી ક્યારેય ન મળી હોય તેટલી ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે.
બીસીસીઆઈ સચિવ જય શાહે ટવીટ કરીને માહિતી આપતાં જણાવ્યું કે ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને ૧૨૫ કરોડનું ઈનામ આપવામાં આવશે. આ ઈનામ ખેલાડીઓ તેમજ સપોર્ટિંગ સ્ટાફને ચૂકવવામાં આવશે. આ સાથે જ તેમણે વર્લ્ડકપ જીત બદલ શાનદાર ઉપલબ્ધી હાંસલ કરવા માટે તમામ ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફને શુભકામના પણ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની ત્યારે જય શાહ ત્યાં જ હાજર હતા અને તેમણે પણ જોરશોરથી ઉજવણી કરી હતી. બીજી બાજુ ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયાની ઉજવણી હજુ પણ ચાલી રહી છે. ટીમ ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડિઝથી ભારત પરત ફરશે ત્યારે તેમનું જોરશોરથી સ્વાગત કરવામાં આવશે.