ટ્રમ્પનું મોટું નિવેદન: ‘ઈરાન સાથે વાત કરવી સમયનો બગાડ’, હુમલા બાદ કરાર રદ કરવાની કરી જાહેરાત
મધ્ય પૂર્વમાં તણાવ વધુ વકર્યો છે. NATO સમિટ માટે તુર્કીના અંકારામાં હાજર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અંગે એક વિસ્ફોટક નિવેદન આપીને દુનિયાના ધબકારા વધારી દીધા છે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે ઈરાન સાથેનો સમજૂતી કરાર હવે સમાપ્ત થઈ ગયો છે અને હવે વાતચીત કરવાનો કોઈ અર્થ નથી. હોર્મુઝ સ્ટ્રેટમાં થયેલા હુમલાના બદલામાં અમેરિકાએ ઈરાન પર હવાઈ હુમલા કર્યા બાદ આવેલા આ નિવેદનથી હવે બંને દેશો વચ્ચે આર-પારની લડાઈનો ખતરો વધી ગયો છે.
ટ્રમ્પનું મોટું નિવેદન: “ઈરાન સાથેનો કરાર હવે કાગળનો ટુકડો”
અંકારામાં યોજાયેલી બે દિવસીય NATO સમિટ દરમિયાન મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, “મારા મતે, ઈરાન સાથેનો સમજૂતી કરાર હવે સમાપ્ત થઈ ગયો છે. તેમની સાથે વાત કરવી એ ફક્ત સમયનો બગાડ છે.”
ટ્રમ્પે આગળ કહ્યું કે તાજેતરના ઘટનાક્રમ બાદ આ કરારનું હવે કોઈ મહત્વ રહ્યું નથી. તેમણે ઈરાનને “બીમાર લોકો” ગણાવ્યા અને કહ્યું કે હવે આ મામલે આગળ વધવાની કોઈ જરૂર નથી.
હુમલા બાદ આવ્યું નિવેદન, બહેરીન-કુવૈત પણ નિશાના પર
ટ્રમ્પનું આ નિવેદન અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલાના થોડા કલાકો બાદ જ આવ્યું. અમેરિકાએ બુધવારે વહેલી સવારે ઈરાન પર હુમલા શરૂ કર્યા હતા. તેના થોડા કલાકો પહેલા જ અમેરિકાએ ઈરાનનું તેલ વેચાણનું લાઇસન્સ પણ રદ કર્યું હતું.
અમેરિકાનો આ પડકાર હોર્મુઝ સ્ટ્રેટમાં ટેન્કરો પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં હતો. દરમિયાન ઈરાને પણ બહેરીન અને કુવૈત પર હુમલા કરીને જવાબ આપ્યો છે, જેનાથી સમગ્ર ખાડી ક્ષેત્રમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.
વાટાઘાટો પર પણ શંકા, NATO પર નારાજગી
જોકે ટ્રમ્પે એમ પણ કહ્યું કે અમેરિકી પ્રતિનિધિઓ ઈચ્છે તો વાટાઘાટો ચાલુ રાખી શકે છે, પરંતુ તેમણે તેના પરિણામ અંગે સીધી શંકા વ્યક્ત કરી. તેમના શબ્દોમાં, “તેઓ વાટાઘાટો કરી શકે છે, પણ મને લાગે છે કે તેઓ તેમનો સમય બગાડી રહ્યા છે.”
આ સાથે જ ટ્રમ્પે NATO પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે અમેરિકા સાથે અન્યાય થઈ રહ્યો છે અને તે NATOમાં પોતાના હિસ્સા કરતા ઘણું વધારે ખર્ચ કરી રહ્યું છે. ગ્રીનલેન્ડના મુદ્દે પણ તેમણે NATOના વલણ પર અસંતોષ વ્યક્ત કર્યો અને તેને અમેરિકા માટે “મુખ્ય વ્યૂહાત્મક પ્રશ્ન” ગણાવ્યો.
હવે આગળ શું?
ટ્રમ્પના આ નિવેદન બાદ મધ્ય પૂર્વમાં યુદ્ધનો ખતરો વધુ ઘેરો બન્યો છે. એક તરફ અમેરિકાએ હુમલા શરૂ કરી દીધા છે અને બીજી તરફ વાતચીતના દરવાજા પણ બંધ કરી દીધા છે. નિષ્ણાતોનું માનવું છે કે હવે રાજદ્વારી રસ્તા બંધ થતા આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે છે.
વિશ્વ હવે ટક ટકીને જોઈ રહ્યું છે કે ઈરાન આગળ શું પગલું ભરે છે અને શું આ તણાવ ખરેખર મોટા યુદ્ધમાં ફેરવાશે.
