મણીપુરમાં ફરી હિંસા; પ્રચંડ વિસ્ફોટમાં 2 જવાનના મોત
ઉગ્રવાદીઓએ પહેલાથી જ માર્ગમાં ગોઠવાઈને હુમલો કર્યો; સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન; ફરી મોટા પ્રમાણમાં દળો ગોઠવાયાં
મણિપુરમાં થોડા સમય બાદ શાંતિમાં ફરી પલીતો ચાંપવામાં આવ્યો છે. ઉખરુલ જિલ્લામાં એક મોટી હિંસક ઘટના સામે આવી હતી. અહીં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ અસમ રાઇફલ્સના કાફલા પર ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં સેનાના 2 જવાનો શહીદ થયા હતા. મૃતકોની ઓળખ વારન્ટ ઓફિસર બલવંત સિંહ અને રાઇફલમેન સીએમ સિંહ તરીકે થઈ છે. હુમલા બાદ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, કાફલો જ્યારે પોતાના કેમ્પથી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યારે શાંગશાક પાસે નુંગશાંગ કોંગ ગામ નજીક આ હુમલો થયો હતો. પહેલાથી જ હુમલાખોરો ઘાત લગાવીને બેઠા હતા અને નજીક આવતા જ હુમલો કરાયો હતો.
ઉગ્રવાદીઓએ રસ્તામાં એક પુલની બંને બાજુ 3 IED બોમ્બ લગાવ્યા હતા. કાફલો પસાર થતાં જ 2 બોમ્બ બ્લાસ્ટ થયા અને ચારેય તરફથી આડેધળ ગોળીબાર શરૂ થઈ ગયો. જવાનોએ પણ તુરંત જવાબી ફાયરિંગ કર્યું હતું, જે આશરે 1 કલાક સુધી ચાલ્યું હતું. તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી 1 જીવતો બોમ્બ પણ મળી આવ્યો છે.
આ કાયરતાપૂર્ણ હુમલા પર આક્રોશ વ્યક્ત કરતા મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ જણાવ્યું કે, ‘આવા હુમલાઓની સમાજમાં કોઈ જગ્યા નથી. આ કૃત્ય શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાના સરકારના સંકલ્પને નબળો પાડી શકે નહીં.’ જ્યારે રાજ્યના ગૃહમંત્રી ગોવિંદદાસ કોન્થૌજમે કહ્યું કે, ‘આવા હુમલા રાજ્યમાં સામાન્ય સ્થિતિ બહાલ કરવાના પ્રયાસોને નુકસાન પહોંચાડે છે.’ તેમણે ખાતરી આપી હતી કે સુરક્ષા દળો જવાબદારોને કડક સજા અપાવવા માટે તમામ જરૂરી પગલાં લેશે.
સર્ચમાં વધુ બોમ્બ અને મોર્ટાર શેલનો જથ્થો હાથ લાગ્યો
બીજીતરફ મણિપુરના કાંગપોકપી જિલ્લામાં કાંગચુપ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ફાએંગ વિસ્તારના ચિરુ ગામમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે પગપાળા પેટ્રોલિંગ કરી રહેલા મણિપુર પોલીસના જવાનોએ સર્ચ ઓપરેશન દરમિયાન એક શંકાસ્પદ IED બોમ્બ અને સ્થાનિક સ્તરે બનેલા 4 મોર્ટાર શેલ જપ્ત કરીને સંભવિત અકસ્માતને નિષ્ફળ બનાવ્યો છે. મણીપુરમાં ફરીથી ભયાનક હિંસા કરવાનું કાવતરું ગોઠવાયું હોવાનું પણ બહાર આવ્યું છે.
