સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જેવી સમાન મુદે અરજી હોવાથી સુનાવણીનો ઇનકાર
અયોધ્યાના રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિના મામલે CBI તપાસ અને વિશેષ ફોરેન્સિક ઓડિટની માંગ કરતી જાહેરહિતની અરજી (PIL) પર અલાહાબાદ હાઇકોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. હાઇકોર્ટે નોંધ્યું કે સમાન માંગણીઓ સાથેની અરજી પહેલેથી જ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન હોવાથી આ તબક્કે હસ્તક્ષેપ કરવાની જરૂર નથી.
અરજીમાં મંદિરના દાનપેટીમાં ભક્તો દ્વારા અપાયેલી રોકડ તેમજ સોના-ચાંદીના દાનમાં કથિત ઉચાપત થઈ હોવાના આક્ષેપોના આધારે CBI દ્વારા સમયબદ્ધ અને સ્વતંત્ર તપાસ તેમજ ટ્રસ્ટના હિસાબોનું CAG મારફતે વિશેષ ફોરેન્સિક ઓડિટ કરાવવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાક શંકાસ્પદ કર્મચારીઓ પાસેથી રકમ મળ્યા બાદ પણ જવાબદાર તંત્ર યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે.
આ પણ વાંચો:કોના બાપની દિવાળી! રામજીના પૈસા ચોરી ગર્લફ્રેન્ડને iPhone ભેટ આપ્યો
જોકે, મંદિર ટ્રસ્ટે અગાઉ તમામ આક્ષેપોને નકારી કાઢતાં જણાવ્યું હતું કે ભક્તોના દાનની ગણતરી, ચકાસણી અને જમા કરવાની સમગ્ર પ્રક્રિયા નક્કી કરેલી વ્યવસ્થા મુજબ પારદર્શક રીતે કરવામાં આવે છે. દરમિયાન, ટ્રસ્ટની વિનંતી બાદ રાજ્ય સરકારે સમગ્ર મામલે SITની રચના કરી હતી અને તપાસ હાલ ચાલુ છે. આ ઉપરાંત દાનમાં ગેરરીતિના આરોપસર આઠ વ્યક્તિઓ સહિત અન્ય સામે ફરિયાદ નોંધાઈ છે અને તપાસ આગળ વધી રહી છે. તાજેતરમાં આ જ મુદ્દે ટ્રસ્ટની નાણાકીય કામગીરીની સ્વતંત્ર તપાસની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં પણ અલગ અરજી દાખલ કરવામાં આવી છે.
