પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લાના વહીવટી તંત્ર સાથે ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી
સૌરાષ્ટ્ર પંથકમાં વરસેલા અનરાધાર વરસાદ અને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકાર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. અમરેલી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે સવારે ગાંધીનગર ખાતેથી અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લાના વહીવટી તંત્ર સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રી વાઘાણીએ ત્રણેય જિલ્લામાં પ્રવર્તમાન પરિસ્થિતિ, વહીવટી તંત્રની તૈયારીઓ, નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ, આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અને નાગરિકોની સુરક્ષા માટે લેવાયેલા પગલાંની વિગતવાર સમીક્ષા કરી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સ્થાનિક સાંસદ, ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ જોડાયા હતા. આ ઉપરાંત ત્રણેય જિલ્લાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ, મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ પોતાના એક્શન પ્લાન સાથે ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક દરમિયાન મંત્રી જીતુભાઈ વાઘાણીએ ત્રણેય જિલ્લાના કલેક્ટરો પાસેથી નીચાણવાળા વિસ્તારો, નદી-નાળાની પ્રવર્તમાન સ્થિતિ અને જળાશયોમાં પાણીની આવક અંગેનો લાઈવ રિપોર્ટ મેળવ્યો હતો. ખાસ કરીને ડેમોની સલામતી અને ઓવરફ્લો સ્થિતિ પર સતત નજર રાખવા તેમણે વહીવટી તંત્રને સૂચના આપી હતી.
આ પણ વાંચો: હેવન નહીં ‘આફત’નો વરસાદ! સુરતમાં પૂર જેવી સ્થિતિ, હવામાન વિભાગનું રેડ ઍલર્ટ
ભારે વરસાદને કારણે વીજ પુરવઠો કે પાણી પુરવઠો ખોરવાવો કે રસ્તાઓ બ્લોક થવા જેવી તાત્કાલિક સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે PGVCL, પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ તથા માર્ગ-મકાન વિભાગને સ્ટેન્ડબાય રહેવા મંત્રીશ્રીએ આદેશ આપ્યા છે. આ ઉપરાંત મંત્રીશ્રીએ તાકીદ કરી હતી કે, ફરી એકવાર ભયજનક મકાનો અને હોર્ડિંગ્સની ચકાસણી કરીને હજુ પણ ક્યાંય આવા જોખમી એકમો રહી ગયા હોય તો તેને તાત્કાલિક ધોરણે દૂર કરવા પણ સૂચના અપાઈ હતી.
અમરેલી
ચાલુ વર્ષે સરેરાશ ૧૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
અમરેલીમાં હાલમાં ૨ NDRFની ટીમો તૈનાત છે.
અત્યાર સુધીમાં કુલ ૭૬ નાગરિકને રેસ્ક્યુ અને ૬૪૧ નાગરિકોનું સ્થળાંતર કરાયુ છે.
ભારે વરસાદના કારણે ૨૫ જેટલા રસ્તાઓ બંધ થયા હતા, જેમાંથી ૧૯ પૂર્વવત થયા છે.
ધાતરવડી (૧૦૦% ભરાયેલો), સુરજવાડી (૧૦૦% ભરાયેલો), ખોડીયાર (૯૬% ભરાયેલો) અને રાયડી (૯૫% ભરાયેલો) ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે, ધાતરવાડી-૨ (૮૯% ભરાયેલો) એલર્ટ પર અને શેલ-દેદુમલ (૭૮% ભરાયેલો) ડેમને વોર્નિંગ લેવલ પર છે.
ભાવનગર
ચાલુ વર્ષે સરેરાશ ૮ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
ભાવનગરમાં હાલમાં ૧ NDRFની ટીમ તૈનાત છે.
રેસ્ક્યુ અથવા સ્થળાંતર કરાયેલા નાગરિકોને રહેવા માટે કુલ ૯૮૨ આશ્રય સ્થળો છે.
મહુવા તાલુકાના ઓથા ગામે માલણ નદીમાં અમદાવાદના ૮ નાગરિકો કાર સાથે તણાયા હતા, જે તમામ વ્યક્તિને રેસ્ક્યુ કરી સુરક્ષિત કરાયા છે.
જિલ્લામાં રાજ્ય હસ્તકના તમામ ૭૪ રસ્તાઓ ચાલુ છે. જ્યારે, પંચાયત હસ્તકના ૯૧૮ રસ્તાઓ પૈકી ૭ રસ્તાઓ બંધ છે.
માલણ (૧૦૦% ભરાયેલો), શેત્રુંજી (૧૦૦% ભરાયેલો), રોજકી (૯૮% ભરાયેલો) અને રંઘોળા (૯૬% ભરાયેલો) ડેમમાં પાણીની આવક થતા હાઈ એલર્ટ પર
રાજકોટ
ચાલુ વર્ષે સરેરાશ ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
રાજકોટમાં હાલમાં ૧ NDRF અને ૧ SDRFની ટીમ તૈનાત છે.
રાજકોટના વેણુ-૨ (૭૬% ભરાયેલો) તથા આજી-૨ (૭૩% ભરાયેલો) ડેમમાં પાણીની આવક થતા વોર્નિંગ પર છે.
આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે.
