રામ મંદિર દાન ચોરી મામલે ટ્રસ્ટે ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકાર્યું, SITની તપાસ તેજ
અયોધ્યાના રામ મંદિરમાં દાનમાં કથિત ઉચાપતના કેસમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આજે મોટો નિર્ણય લીધો છે. ટ્રસ્ટની બેઠક બાદ મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યા છે. દરમિયાન SITએ તપાસને આગળ વધારતા મંદિરની મુલાકાત લીધી અને અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આ મુદ્દે રાજનીતિ પણ ગરમાઈ છે અને વિપક્ષે ટ્રસ્ટને વિખેરવાની માંગ કરી છે.
ટ્રસ્ટે બે મોટા હોદ્દેદારોના રાજીનામા સ્વીકાર્યા
અયોધ્યામાં આજે યોજાયેલી ટ્રસ્ટની બેઠક બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તેના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકાર્યું છે. દાનમાં ઉચાપતના આરોપો વચ્ચે બંને નેતાઓએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ટ્રસ્ટે આ નિર્ણય સાથે તપાસમાં પૂરો સહકાર આપવાની વાત કરી છે.
આ પણ વાંચો:અમરનાથ શિવલિંગ ઝડપથી ઓગળી રહ્યું છે, હવે માત્ર 1 ફૂટ જ બાકી
SITની તપાસ, 8 આરોપીની ધરપકડ
કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને કામ પૂરું કરવા માટે 15 દિવસની સમયમર્યાદા આપવામાં આવી છે. શુક્રવારે SITએ રામ મંદિરની મુલાકાત લઈને પુરાવા એકત્ર કર્યા. પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં 8 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ થયેલા લોકોમાં ચંપત રાયના ડ્રાઇવર રામશંકર યાદવ ઉર્ફે ટીનુ યાદવ, અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે અને રામશંકર મિશ્રાનો સમાવેશ થાય છે.
રાજનીતિ ગરમાઈ, CM યોગીએ કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું
આ કેસને લઈને ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જ્યારે વિપક્ષે ભાજપ પર નિશાન સાધ્યું છે. SP સાંસદ અવધેશ પ્રસાદે કહ્યું કે “ટ્રસ્ટને વિખેરીને તપાસ થવી જોઈએ”. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ X પર પોસ્ટ કરીને PM મોદીને સવાલ કર્યા કે “મંદિરના દાનમાં ચોરી અને જમીન કૌભાંડમાં સામેલ લોકોને રક્ષણ કેમ આપવામાં આવી રહ્યું છે? તેમને ક્યારે સજા મળશે?” હાલ ટ્રસ્ટે નવી વહીવટી વ્યવસ્થા અંગે પણ ચર્ચા શરૂ કરી છે જેથી મંદિરનું કામકાજ પ્રભાવિત ન થાય.
