કેન્દ્રીય મંત્રી શિવરાજે રાજ્યો માટે રૂપિયા 25 હજાર કરોડ રીલીઝ કર્યા
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રવિવારે વિકસિત ભારત જી-રામ-જી યોજના હેઠળ 25,863 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો રાજ્ય સરકારો માટે જાહેર કર્યો હતો. તેમણે ભોપાલથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ રકમ જાહેર કરી હતી. મજૂરોને સમયસર વેતન મળી રહે અને યોજનાનું કામ કોઈ રીતે રોકાય નહિ તે હેતુથી આ રકમ અપાઈ છે. મજૂરીના દરમાં પણ નજીવો વધારો કરાયો છે. હવે 1 દિવસના રૂપિયા 298 ને બદલે 327 રૂપિયા નક્કી થયા છે.
આ પ્રસંગે, ચૌહાણે કહ્યું, ‘આજ હું ખૂબ ખુશ છું. હું ગ્રામીણ વિકાસ મંત્રીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓને અભિનંદન આપું છું કે અત્યાર સુધી આ યોજના અંગે એક પણ ફરિયાદ આવી નથી. આ એ વાતનો પુરાવો છે કે આ નીતિને મનરેગા દ્વારા વિકસિત ભારત જી-રામ-જીમાં સરળતાથી પરિવર્તિત કરવામાં આવી છે.’
આ પણ વાંચો: જો ઈચ્છા હોત તો ઇરાનના બધા જ નેતાઓને પતાવી દીધા હોત; ટ્રમ્પ
આ નવા કાયદા હેઠળ, અગાઉની 100 દિવસની રોજગાર ગેરંટી વધારીને 125 દિવસની ગેરંટી કરવામાં આવી છે. જો કામ માંગ્યા પછી નિર્દિષ્ટ સમયમર્યાદામાં રોજગાર આપવામાં નહીં આવે, તો કાયદા હેઠળ પાત્ર લોકોને બેરોજગારી લાભ આપવામાં આવશે. આ યોજના કેન્દ્ર અને રાજ્યો વચ્ચે 60:40 ના નાણાકીય હિસ્સાની જોગવાઈ કરે છે.
જોકે, વિપક્ષે આ કાયદાની ટીકા કરતા કહ્યું કે મહાત્મા ગાંધીનું નામ યોજનામાંથી દૂર કરવામાં આવ્યું છે. VB-G RAM-G એક્ટ હેઠળ, સરેરાશ વેતન વધીને 327.4 રૂપિયા પ્રતિ દિવસ થયું છે, જ્યારે મનરેગા હેઠળ તે 298.80 રૂપિયા હતું. 1 જુલાઈથી તમામ રાજ્યોમાં નવા અસરકારક દરોમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, દેશભરમાં સરેરાશ વેતન દરમાં દસ ટકાનો વધારો થયો છે.
