લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ પત્રકાર પરિષદ બોલાવી પુરાવા રજૂ કર્યા
સરકાર સાથે વાતચીત કરવા એડવાન્સમાં બે કરોડની માગણી કરી’તી
મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં નવો જ વળાંક આવ્યો છે. સરકારે અસરગ્રસ્ત ખેડૂતો માટે સારૂ રાહત પેકેજ જાહેર કર્યા બાદ જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ પત્રકાર પરિષદ બોલાવી આંદોલન સમેટી લેવા માટે ખેડૂત નેતા અને ઉપવાસ પર બેઠેલા નિલેષ એરવાડિયાએ ૨૫ કરોડ માગ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં નિલેષ એરવાડિયાએ સરકાર સાથે મંત્રણા કરવા માટે ૨ કરોડ માગ્યા હોવાની ઓડિયો ટેપ પણ પત્રકાર સમક્ષ રજૂ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે આ વિવાદના ઘેરા પડઘા પડ્યા હતા અને આંદોલન સમિતિએ આજે ઉપવાસી છાવણીમાંથી નિલેષ એરવાડિયાએ રવાના કરી કરી દીધા હતા.
જેતપર ખેડૂત આંદોલનના સમર્થનમાં અગાઉ આવેલા જાણીતા સાહિત્યકાર હકાભા ગઢવીએ આજે હળવદ ખાતે પત્રકાર પરિષદ સંબોધી ખેડૂત આંદોલનમાં કરોડોની કટકી માગવામાં આવી હોવાના ઉપવાસી નેતા નિલેષ એરવાડિયા સામે આક્ષેપ કર્યા હતા.
હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે, હું સરકાર જાહેરાત કરે તેની રાહ જોતો હતો કારણ કે જો લાંચ માગ્યાની વાત મેં અગાઉ કરી હોત તો આંદોલનમાં ભંગાણ પડી જાત.
વધુમાં જણાવ્યા પ્રમાણે ખેડૂત નેતા નિલેષ એરવાડિયાએ આંદોલન પલટી દેવા ૨૫ કરોડ માગ્યા હતા એટલું જ નહીં સરકાર સાથે મંત્રણા કરવા એરવાડિયાએ બે કરોડ આપવા હકાભાને કહ્યું હતું અને આ વાત સરકાર સુધી પહોંચાડવા માટે નિલેષ એરવાડિયાએ એક કરોડ હકાભાને આપવાની પણ વાત કરી હતી.
નિલેષ એરવાડિયા સાથે થયેલી ટેલિફોનિક વાતચીતના હકાભા ગઢવીએ ઓડિયો રેકોર્ડિંગના પુરાવા પણ પત્રકાર પરિષદ સમક્ષ રજૂ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
હકાભા ગઢવીના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
હકાભા ગઢવીના ઘર ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નિલેષ એરવાડિયા અને હકાભા ગઢવી વચ્ચે વાતચીત ઓડિયો વાયરલ થયા બાદ હકાભા ગઢવીના ઘર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હકાભા ગઢવી હાલ સુરેન્દ્રનગર રહે છે અને પોતાનું મકાન ભાડા પર આપેલ છે. હકાભા ગઢવીએ પોતાના મકાન બાજુ એક મકાન ભાડે લીધું છે જ્યાં પત્ની અને દીકરી છે તો હળવદ ખાતેના મકાને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
નિલેષ એરવાડિયાને ઉપવાસી છાવણીમાંથી હાંકી કઢાયા
નિલેષ એરવાડિયા ઉપર કરોડો રૂપિયામાં સેટિંગના આક્ષેપો થયા બાદ મામલો ગરમાયો હતો. ઉપવાસી છાવણીમાં સમિતિના સભ્યોએ નિલેષ એરવાડિયાને ઘણો સમય સુધી સમજાવ્યા હતા. આક્ષેપોને પગલે છાવણી બદનામ ના થાય તે માટે તેમને આંદોલનમાંથી અલગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે મામલે રાજુભાઈ અમૃતિયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ૩૦ જેટલા ગામના ખેડૂતોનો અભિપ્રાય મેળવી આંદોલનને નુકસાન ના પહોંચે તે માટે નિલેષ એરવાડિયાને આંદોલનમાંથી ઉઠાડી લેવામાં આવ્યા છે, તેમની તબિયત સારી નથી જેથી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે અને તેમને પારણા કરાવી દેવાનું નક્કી કર્યું છે.
સરકાર પરિપત્ર જાહેર નહીં કરે ત્યાં સુધી ખેડૂત આંદોલન યથાવત
રાષ્ટ્રીય કિસાન સંઘના અધ્યક્ષે ખેડૂત છાવણીની મુલાકાત લીધી: ખેડૂતોના સમર્થનમાં આજે પણ રેલીઓ યોજાઇ. મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે ખેડૂત દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ૧૭ દિવસથી ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. સરકારે અસરગ્રસ્ત ખેડૂતો માટે જંત્રી મુજબ નહીં પરંતુ જમીનની હાલની બજાર કિંમત કરતા બમણું વળતર આપવાની જાહેરાત કરી છે.
જો કે સરકારની જાહેરાત બાદ પણ ખેડૂતોએ ઉપવાસ આંદોલન ચાલુ રાખ્યું હતું. ખેડૂત સમિતિના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ નવો પરિપત્ર બહાર પાડ્યા બાદ આંદોલન સમેટી લેવામાં આવશે.
બીજીબાજુ આજે રાષ્ટ્રીય કિસાન સંઘના અધ્યક્ષ ગુરૂનામસિંગ ચઢ્ઢએ જેતપર ઉપવાસી છાવણીની મુલાકાત લઈ આંદોલન ચલાવી રહેલ ખેડૂત સમિતિ સાથે બેઠક કરી આગળની રણનીતિ બાબતે ચર્ચા કરી હતી.
ખેડૂત આંદોલનના સમર્થનમાં આજે મોરબી રિક્ષા એસોસિએશન પણ ઉતર્યું હતું. સવારે મોરબીથી ૫૦૦થી વધુ રિક્ષાના ચાલકો રેલી સ્વરૂપે જેતપર પહોંચ્યા હતા અને ખેડૂતોને આંદોલન માટે ટેકો આપ્યો હતો.
આ ઉપરાંત જેતપર અને મોરબી નજીકના ૧૦ ગામના ખેડૂતોએ પણ આજે ટે્રક્ટર, કાર અને સ્કૂટર સાથે વિશાળ રેલી કાઢી આંદોલનને સમર્થન આપ્યું હતું.
