જાફરાબાદમાં દરિયામાં કરંટ: 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં, 700 બોટને લોકડાઉન, કિનારે 3 નંબરનું સિગ્નલ
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસરથી સૌરાષ્ટ્રનો દરિયો ભયાનક બન્યો છે. અમરેલીના જાફરાબાદમાં ભારે વરસાદ અને તેજ પવન સાથે દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 15 ફૂટ સુધી ઊંચા મોજા અને પ્રચંડ કરંટના કારણે વહીવટી તંત્ર દોડતું થયું છે. માછીમારોની સલામતી માટે બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવીને 700થી વધુ બોટોને કિનારે લાંગરી દેવામાં આવી છે.
જાફરાબાદ બંદર પર તોફાન, મોજા 15 ફૂટ સુધી પહોંચ્યા
હવામાન વિભાગની રેડ એલર્ટની ચેતવણી વચ્ચે જાફરાબાદનો દરિયો ઉગ્ર બન્યો છે. દરિયામાં સત ભારે કરંટ અને 10થી 15 ફૂટ સુધીના મોજા ઉછળી રહ્યા છે. ઊંચા મોજા જેટી અને કિનારાના પથ્થરો પરથી પસાર થઈ રહ્યા છે. દરિયાકાંઠાના કોસ્ટલ બેલ્ટમાં જોખમી સ્થિતિ સર્જાતા તંત્ર દ્વારા લોકોને કિનારાથી દૂર રહેવા અપીલ કરાઈ છે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસે માત્ર ૧૦ દિવસમાં ૫૦૦ ગુમ થયેલા નાગરિકોને શોધ્યા
બોટોનું લોકડાઉન: 700થી વધુ બોટો કિનારે
સ્થિતિની ગંભીરતા જોતા જાફરાબાદ પોર્ટ ઓથોરિટી અને કલેક્ટર તંત્રએ તાત્કાલિક બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દીધું છે. આ સિગ્નલનો અર્થ છે દરિયામાં નેવિગેશન માટે જોખમ છે. માછીમારોને રેડિયો દ્વારા તાત્કાલિક પરત ફરવાનો આદેશ અપાતા 700થી વધુ નાની-મોટી ફિશિંગ બોટોને જેટી પર સુરક્ષિત રીતે લાંગરી દેવાઈ છે. પ્રશાસને બોટોને બહાર ન જવા સ્પષ્ટ સૂચના આપી છે.
કિનારે કડક પોલીસ બંદોબસ્ત, હાઈ એલર્ટ
દરિયો વધુ રફ થતા જાફરાબાદ, શિયાળબેટ સહિત આસપાસના તટીય વિસ્તારોમાં પોલીસ અને રેવન્યુ તંત્રનું પેટ્રોલિંગ વધારી દેવાયું છે. પ્રવાસીઓ અને સ્થાનિકો મોજા જોવા કિનારે ન જાય તે માટે ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે. આગામી 48 કલાક માટે સમગ્ર દરિયાકાંઠા પર હાઈ એલર્ટ જાહેર કરાયું છે. તંત્રનું કહેવું છે કે હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી કોઈને દરિયામાં જવાની છૂટ નહીં આપવામાં આવે.
