માંગરોળમાં 22 ઇંચ વરસાદથી જળબંબાકાર, આગામી 4 દિવસ ભારે વરસાદની ચેતવણી
ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં એકલા 22 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 4 દિવસ સુધી રાજ્યભરમાં અતિ ભારે વરસાદની શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં તૂટ્યા રેકોર્ડ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. માંગરોળમાં 22.20 ઇંચ અને માળિયા હાટિનામાં 14.09 ઇંચ વરસાદ પડતા રસ્તાઓ નદીની જેમ વહી રહ્યા છે. આ સિવાય ડાંગના વઘઈમાં 13.31 ઇંચ અને સુરતના અંબિકામાં 13.19 ઇંચ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
આજે આ 7 જિલ્લા અને 2 UT માટે રેડ એલર્ટ
હવામાન વિભાગે આજે ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લા માટે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ દાદરા નગર હવેલી અને દમણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં એકદમ ભારે વરસાદ સાથે પવન પણ ફૂંકાઈ શકે છે.
9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, ભરુચ, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે. અહીં પણ ભારે વરસાદ અને પાણી ભરાવાની શક્યતા છે.
આગામી 4 દિવસ માછીમારો માટે હાઈ એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ 3 થી 9 જુલાઈ દરમિયાન કોંકણ, ગોવા અને ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં 3 થી 6 જુલાઈ વચ્ચે અતિભારે વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવનાને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના સાથે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વહીવટી તંત્રને પણ સતર્ક રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારી રાખવા સૂચના આપવામાં આવી છે.
