SBI એ ‘ શંકાસ્પદ સ્ટાફને ‘હટાવવાની કરેલી ભલામણ કોઈએ સાંભળી નહિ
ટ્રસ્ટના પીઠબળથી કાર્યવાહી અટકી, બે બેંક કર્મચારીઓની ભૂમિકા પણ તપાસ હેઠળ
અયોધ્યાના રામ મંદિરમાં દાનપેટીના નાણાંની ચોરીના કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે સામે આવ્યું છે કે ચંપત રાય અને કેટલાક અન્ય ટ્રસ્ટના હોદ્દેદારોના હસ્તક્ષેપને કારણે દાન ગણતરીમાં ફરજ બજાવતા શંકાસ્પદ સ્ટાફને ત્રણ મહિના પહેલાં હટાવી શકાયો નહોતો. સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ દાનની રકમમાં ગેરરીતિની શંકા વ્યક્ત કરીને સ્ટાફને બદલવાની ભલામણ કરી હતી, પરંતુ ટ્રસ્ટના કેટલાક પ્રભાવશાળી હોદ્દેદારોએ તેનો વિરોધ કરતાં કાર્યવાહી અટકી ગઈ હતી. પોલીસે આ મામલે ચંપત રાયનું નિવેદન નોંધ્યું છે, જ્યારે પૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રા અને ગોપાલ રાવને પણ ટૂંક સમયમાં નોટિસ પાઠવાય તેવી શક્યતા છે.
અત્યાર સુધી દાનચોરી કેસમાં આઠ લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને ચોરાયેલી સંપત્તિની વસૂલાત માટે તપાસ તેજ કરવામાં આવી છે. ટ્રસ્ટ હવે દાન ગણતરી માટે નવી ભરતી પ્રક્રિયા, પોલીસ વેરિફિકેશન અને કામગીરીના મૂલ્યાંકનની વ્યવસ્થા અમલમાં મૂકવાની તૈયારીમાં છે. આ અંગે અંતિમ નિર્ણય 11 જુલાઈની બેઠકમાં લેવાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: પાકિસ્તાનનું અફઘાન સરહદ પર મોટું લશ્કરી ઓપરેશન : 29 આતંકી ઠાર
બેંક સ્ટાફની સંડોવણી
તપાસ દરમિયાન SBIના બે કર્મચારીઓ રત્નેશ અને ગગનદીપની ભૂમિકા પણ શંકાના ઘેરામાં આવી છે. બંને દાનની ગણતરી દરમિયાન કાઉન્ટિંગ રૂમમાં હાજર રહેતા હતા અને સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવાની જવાબદારી સંભાળતા હતા. પોલીસને તેમની સામે ચોરીમાં સંડોવણી દર્શાવતા પ્રાથમિક પુરાવા મળ્યા હોવાનું સૂત્રોનું કહેવું છે. તપાસના આધારે તેમની સામે પણ ટૂંક સમયમાં કડક કાર્યવાહી થઈ શકે છે.
ચંદા ચોરોને કેટલાક હોદ્દેદારોનું રક્ષણ કવચ
સૂત્રોના જણાવ્યા મુજબ દાન ગણતરીનું કામ કરતી આઉટસોર્સિંગ એજન્સી શંકાસ્પદ કર્મચારીઓને હટાવવાની તૈયારીમાં હતી, પરંતુ ટ્રસ્ટના કેટલાક હોદ્દેદારોએ તેમનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. પરિણામે બેંક અને એજન્સી બંને સ્ટાફને દૂર કરવામાં નિષ્ફળ રહ્યા અને દાનની ચોરીનો સિલસિલો ચાલુ રહ્યો. ધરપકડ કરાયેલા મોટાભાગના આરોપીઓ ટ્રસ્ટના હોદ્દેદારોના સગા અથવા નજીકના ઓળખીતાઓ હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
