અમદાવાદમાં 108 કળશના જળાભિષેક સાથે જળયાત્રાનો ભવ્ય આરંભ, ગજવેશ દર્શનની અલૌકિક ઝાંખી
અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી 149મી ઐતિહાસિક રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે 29મી જૂને અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી પરંપરાગત ‘જળયાત્રા મહોત્સવ’નો ભક્તિસભર પ્રારંભ થયો. સાબરમતી નદીના પવિત્ર જળથી ભરેલા 108 કળશથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીનો ભવ્ય જળાભિષેક કરાયો. શંખનાદ, મંત્રોચ્ચાર અને ભક્તોના જયઘોષથી સમગ્ર વાતાવરણ અલૌકિક બન્યું.
ભૂદરના આરેથી લવાયું પવિત્ર જળ, ગજરાજ બન્યા આકર્ષણ
આજે સવારે જમાલપુર જગન્નાથ મંદિરથી જળયાત્રા વિધિવત રીતે પ્રસ્થાન થઈ. બળદગાડામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને બિરાજમાન કરાયા હતા. યાત્રામાં ગજરાજ, ઘોડાગાડી, ધ્વજ-કળશ સાથે કાવડિયા અને અખાડાઓએ અનેરું આકર્ષણ જમાવ્યું. આ જળયાત્રા સાબરમતી નદીના કિનારે સોમનાથ ભૂદરના આરે પહોંચી, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે 108 કળશમાં પવિત્ર જળ ભરી મંદિરે લવાયું.
આ પણ વાંચો: 146 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, જૂન કોરોધાકોર સુકાયો, ગુજરાતમાં 79% પાણીની ઘટ
મહંતની ઉપસ્થિતિમાં થયો જળાભિષેક, ભગવાન આપશે ‘ગજવેશ’ દર્શન
મંદિર પરત ફર્યા બાદ મંદિરના મહંત અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં શંખનાદ અને વેદમંત્રો સાથે ભગવાનનો ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો. જળાભિષેક બાદ ભગવાન ભક્તોને વિશેષ ‘ગજવેશ’ સ્વરૂપે દર્શન આપશે. આ દર્શનનું અનેરું મહાત્મ્ય હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત
જળયાત્રાના રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 500થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો તૈનાત કરાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આખા રૂટનું ફુલ-સ્કેલ રિહર્સલ પણ યોજાયું હતું. સમગ્ર રૂટ પર CCTV અને ડ્રોન કેમેરાથી તીક્ષ્ણ નજર રાખવામાં આવી રહી છે.
આગામી 16મી જુલાઈએ યોજાનારી ભવ્ય રથયાત્રા પૂર્વેનો આ જળયાત્રા મહોત્સવ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ અને મંદિર ટ્રસ્ટનું વહીવટી તંત્ર સતત ખડેપગે કાર્યરત છે.
