અશાંત જંગલેશ્વર પાસેની ૩૦ સોસાયટીમાં આગામી પાંચ વર્ષ માટે અશાંતધારો લાગુ
જિલ્લા કલેક્ટરની દરખાસ્ત પર રેવન્યુ સચિવે જાહેરનામું બહાર પાડ્યું
રાજકોટના કોઠારિયા રોડ, જંગલેશ્વર નજીકના વિસ્તારમાં અસમાનતા વધી જતા અને લઘુમતીના પગપેસારા અને દાદાગીરીના કારણે મિલકતના ભાવ ગગડી જતાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ વિસ્તારને અશાંત જાહેર કરવા કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા કોઠારિયા રોડ, જંગલેશ્વર આજુબાજુની ૩૦ સોસાયટી પર અશાંતધારો લાગુ કરાયો હતો જેની સમય મર્યાદા પૂર્ણ થઈ જતાં ફરી આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની જરૂરિયાત હોય જિલ્લા કલેક્ટરે ગૃહ વિભાગ અને મહેસુલ વિભાગને દરખાસ્ત મોકલી અશાંતધારાની સમય મર્યાદા વધારવાની માંગણી કરતાં રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડી પાંચ વર્ષ માટે અશાંતધારાની સમય મર્યાદામાં વધારો કરવાનો આદેશ કર્યો છે.
રાજકોટના કોઠારિયા રોડ પર જંગલેશ્વર નજીક આવેલી સોસાયટીમાં માથાભારે લઘુમતીઓ દ્વારા વિસ્તારમાં દાદાગીરી કરી કિંમતી મિલકત સસ્તા ભાવે પડાવવા લાગ્યા હતા જે બાબતે અગાઉ ધારાસભ્ય અને કલેક્ટર સમક્ષ રજૂઆત કરી આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરી મિલકત લે-વેચ માટે કલેક્ટરની મંજૂરી ફરજિયાત કરવા માંગણી કરી હતી.
સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક રહેવાસીઓની માંગને ધ્યાને લઈ કોઠારિયા રોડ પરની ૩૦ જેટલી સોસાયટીમાં શાંતિ જળવાઈ રહે અને કોમી તોફાન ન થાય તે માટે અશાંતધારો લાગુ કરી દીધો હતો.
કોઠારિયા રોડ પર આવેલી ૩૦ સોસાયટીના અશાંતધારાની સમય મર્યાદા ૨૭ જૂને પૂર્ણ થતી હોય આ બાબતે ફરી સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરતા જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશે દરખાસ્ત તૈયાર કરી અશાંતધારાની સમય મર્યાદા વધારવા ગૃહ વિભાગ અને મહેસુલ વિભાગને મોકલી આપી હતી.
કલેક્ટરની દરખાસ્તને ધ્યાને લઈ મહેસુલ વિભાગે નોટિફિકેશન બહાર પાડી વધુ પાંચ વર્ષ માટે કોઠારિયા રોડ, જંગલેશ્વર નજીકની ૩૦ સોસાયટીમાં અશાંત ધારો ચાલુ રાખવા આદેશ કર્યો છે. આ અશાંતધારો ૨૮ જૂન ૨૦૨૬થી લઈને ૨૭ જૂન ૨૦૩૧ સુધી અમલમાં રહેશે.
રેવન્યુ સચિવે બહાર પાડેલા જાહેરનામામાં કોઠારિયા રોડ પર ભક્તિનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા નિલકંઠ પાર્ક, મેહુલનગર, દેવપરા, ગોકુલનગર, મેઘાણીનગર, ગોવિંદનગર, ન્યુ કેદારનાથ સોસાયટી, જૂની સર્વોદય સોસાયટી, ન્યુ સર્વોદય સોસાયટી, સોરઠિયા વાડી, વિવેકાનંદનગર, સાગર સોસાયટી, ન્યુ સાગર સોસાયટી, કેદારનાથ હાઉસિંગ સોસાયટી, પુનિત કો-ઓપ. સોસાયટી, પટેલનગર, મહેશ્વરી સોસાયટી, પરસાણા સોસાયટી, નવદુર્ગા રોડ, યાદવનગર, મિયાણી સોસાયટી, કીર્તિધામ સોસાયટી, ભોજલરામ સોસાયટી, મારૂતિનગર સોસાયટી, નાડોદરનગર, સીતારામ સોસાયટી, રાધાક્રિષ્નનગર, હુડકો ક્વાર્ટર, દીપ્તીનગર સોસાયટીનો સમાવેશ થાય છે.
૩૦માંથી ૮ સૂચિત સોસાયટીનો સમાવેશ
રાજકોટના કોઠારિયા રોડ પર ભક્તિનગર સ્ટેશનની હદમાં આવતી ૩૦ સોસાયટીમાં અશાંતધારો લાગુ કરાયો છે ત્યારે રેવન્યુ વિભાગના ચોપડે ૩૦માંથી ૮ સોસાયટી સૂચિત હોવાનું સામે આવ્યું છે જેમાં ન્યુ કેદારનાથ સોસાયટી, જૂની સર્વોદય સોસાયટી, ન્યુ સર્વોદય સોસાયટી, સાગર સોસાયટી, ભોજલરામ સોસાયટી, નાડોદાનગર, સીતારામ સોસાયટી, રાધાકિષ્નનગર અને દીપ્તીનગર સોસાયટીનો સમાવેશ થાય છે.
