મુનીરને પતાવી દેવાનો મોસાદનો કથિત કારસો અને “ભૂંસી” નાખવાની પાકિસ્તાનની ધમકી
જીનીવામાં આખું પાકિસ્તાની પ્રતિનિધિમંડળ નિશાન પર હતું: ઓમાન મારફતે પાકિસ્તાને ઈઝરાયેલને સંદેશો મોકલ્યાનો દાવો
બ્રાઝિલના ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ અને ભૂ-રાજકીય વિશ્લેષક પેપે એસ્કોબારે એક ચોંકાવનારો દાવો કરીને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. એસ્કોબારના જણાવ્યા મુજબ, ઈરાન-અમેરિકા શાંતિ મંત્રણા દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને તેમની સાથે આવેલા પાકિસ્તાની પ્રતિનિધિમંડળની હત્યા કરવા માટે ઇઝરાયેલી ગુપ્તચર સંસ્થા મોસાદે કાવતરું રચ્યું હતું. તેમણે દાવો કર્યો કે પાકિસ્તાની સૈન્ય ગુપ્તચર એજન્સીને આ અંગે અત્યંત વિશ્વસનીય માહિતી મળી હતી, જેના પગલે પાકિસ્તાને મધ્યસ્થીઓ મારફતે ઇઝરાયેલને કડક સંદેશ પાઠવ્યો હતો કે જો પ્રતિનિધિમંડળને હાથ પણ લગાવવામાં આવશે તો ઇઝરાયેલને “નકશામાંથી ભૂંસી નાખવામાં આવશે.”
એસ્કોબારે આ દાવો રાજકીય વિશ્લેષક મારિયો નવફાલના પોડકાસ્ટમાં કર્યો હતો. તેમના કહેવા મુજબ પાકિસ્તાને આ સંદેશ સંભવતઃ ઓમાન મારફતે ઇઝરાયેલ સુધી પહોંચાડ્યો હતો. જોકે આ સમગ્ર દાવાને સમર્થન આપતા કોઈ સત્તાવાર પુરાવા સામે આવ્યા નથી. પાકિસ્તાન કે ઇઝરાયેલની સરકાર અથવા સૈન્યએ પણ આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં નવા ,નવા ખેલ યથાવત
આક્ષેપ એવા સમયે સામે આવ્યો છે જ્યારે પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ‘ઇસ્લામાબાદ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ’ તરીકે ઓળખાતા પ્રસ્તાવને આગળ વધારવા જિનીવામાં યોજાયેલી બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ આસિમ મુનીર સહિતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ હાજર રહ્યું હતું.
પાકિસ્તાની પત્રકારોએ દાવાને પાયાવિહોણો ગણાવ્યો
પેપે એસ્કોબારના દાવાને પાકિસ્તાનના અનેક વરિષ્ઠ પત્રકારોએ તાત્કાલિક ફગાવી દીધો છે. જાણીતા પત્રકાર કમરાન ખાને ‘એક્સ’ પર લખ્યું કે સુરક્ષા તંત્રના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પાકિસ્તાની પ્રતિનિધિમંડળની સમગ્ર સ્વિટ્ઝર્લેન્ડ મુલાકાત દરમિયાન કોઈપણ પ્રકારની સુરક્ષા ચેતવણી કે હત્યાના પ્રયાસ જેવી સ્થિતિ જ ઊભી થઈ નહોતી. સ્વિસ અને અમેરિકન સુરક્ષા એજન્સીઓ તરફથી પણ કોઈ એલર્ટ આપવામાં આવ્યું નહોતું. વરિષ્ઠ પત્રકાર સૈયદ તલત હુસૈને પણ આ સમગ્ર ઘટનાક્રમને “સંપૂર્ણ બકવાસ” ગણાવીને કહ્યું કે આવા કોઈ બનાવનો પ્રશ્ન જ ઊભો થતો નથી. ‘ધ કરન્ટ’ સહિતના પાકિસ્તાની મીડિયા પ્લેટફોર્મોએ પણ આ દાવાને તથ્યવિહોણો અને પાયાવિહોણો ગણાવ્યો છે.
ઇઝરાયેલ-પાકિસ્તાન વચ્ચે જૂની દુશ્મનાવટ
પાકિસ્તાન અને ઇઝરાયેલ વચ્ચે ક્યારેય રાજદ્વારી સંબંધો રહ્યા નથી અને પાકિસ્તાન આજે પણ ઇઝરાયેલને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપતું નથી. બંને દેશો વચ્ચે વર્ષોથી તણાવપૂર્ણ સંબંધો રહ્યા છે. તાજેતરમાં પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ઇઝરાયેલને “દુષ્ટ” અને “માનવજાત માટેનો શાપ” ગણાવતાં લેબનોનમાં નિર્દોષોની હત્યાનો આરોપ મૂક્યો હતો અને તેને “નરસંહાર” ગણાવ્યો હતો. આસિફના આ નિવેદન બાદ ઇઝરાયેલે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે પાકિસ્તાનના વરિષ્ઠ મંત્રી આ પ્રકારની કડક ભાષા વાપરે છે ત્યારે ઇસ્લામાબાદ પોતાને નિષ્પક્ષ મધ્યસ્થી તરીકે કેવી રીતે રજૂ કરી શકે? આ નિવેદનો બાદ બંને દેશો વચ્ચેનો રાજદ્વારી વિવાદ વધુ તીવ્ર બન્યો છે.
