ડીવાયએસપી-એસએચઓ સહિત અનેક ઘાયલ, કર્નલ સહિત 40 સૈનિકોસામે હત્યાના પ્રયાસનો ગુનો
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના અથોલી પોલીસ સ્ટેશનમાં બુધવારે આર્મીના જવાનોએ ધસી જઈ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલો કર્યો હોવાનું ફરિયાદ નોંધાતા ભારે ચકચાર જાગી છે.
પોલીસના જણાવ્યા મુજબ, આસિસ્ટન્ટ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર (ARTO) દ્વારા આર્મીની એક ગાડી જપ્ત કરવામાં આવ્યા બાદ ઉગ્ર બનેલા વિવાદને પગલે 17 રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનો લાકડીઓ, લોખંડના સળિયા અને સર્વિસ હથિયારો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મુખ્ય દરવાજો અને દિવાલો ઓળંગીને અંદર ઘૂસેલા જવાનોએ ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ વિજયકુમાર ભગત, એસએચઓ અમૃત કટોચ સહિત અન્ય પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. હુમલામાં અનેક પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા અને પોલીસ સ્ટેશન ઉપરાંત સરકારી વાહનોમાં પણ ભારે તોડફોડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: હજુ વરસાદમાં મોડું થાય તો રૂપિયા 29 લાખ કરોડનો ફટકો પડશે
પોલીસના આરોપ મુજબ હુમલો પૂર્વયોજિત હતો અને હુમલાખોરો પોલીસકર્મીઓને ગંભીર ઇજા પહોંચાડવાના ઇરાદાથી આવ્યા હતા. આ ઘટનાના અનુસંધાને કર્નલ એન. અરુણ ગાંધી, મેજર વિકાસ શર્મા, નાયબ સુબેદાર શંકર ગુરખે સહિત આશરે 40 આર્મી કર્મચારીઓ સામે હત્યાના પ્રયાસ, સરકારી મિલકતને નુકસાન અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
બીજી તરફ, ભારતીય સેનાએ સમગ્ર મામલાની સંયુક્ત તપાસ ચાલી રહી હોવાનું જણાવી અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની જાહેરાત કરી છે. તપાસના પરિણામના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.
