સીઆઈડી ક્રાઇમની એન્ટિનાર્કોટિક્સ ટાસ્કફોર્સનો દરોડો: બે શખસોની શોધખોળ, 7.72 લાખનો જથ્થો કબજે
રાજકોટ રેન્જના સુરેન્દ્રનગર જિલ્લામાં રેન્જની ટીમ દરોડા પાડી દારૂ, ખનીજચોરી પકડે છે. આ જિલ્લામાં રાજ્યની સીઆઈડી ક્રાઈમની એન્ટિનાર્કોટિક્સ ટાસ્કફોર્સ પણ છાપા મારી ડ્રગ્સ પકડી રહી છે. થાનગઢમાં આ ટીમે દરોડો પાડી 7,72,500ની કિંમતના 51,500 કિલો ગ્રામ પોશના ડોડા સાથે મધ્યપ્રદેશના વતની દંપતી-પુત્ર તથા વાંકાનેરના ગુંદાળા ગામના શખસને ઝડપી પાડ્યા છે. બે શખસોના નામ સામે આવ્યા છે જેની શોધખોળ આરંભી છે.
થાનગઢમાં રેલવે સ્ટેશન નજીક એક સ્થળે પોશડોડાનો જથ્થો આવ્યો હોવાની માહિતીના આધારે એએનટીએફ રાજકોટ ટીમ સીઆ,ડી ક્રાઈમના પીઆઈ જે.જે. ચૌહાણ, પીએસઆઈ કે.એમ. મહેતા તથા સ્ટાફે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો. મધ્યપ્રદેશના ઝાંબુઆન મેઘનગર નાંદલાદરાના વતની દાલસિંગ પારગી (ઉ.વ.50), તેની પત્ની પુષ્પા (ઉ.વ.45) તથા પુત્ર રાહુલ (ઉ.વ.21)ને પકડી પાડ્યા હતા. સાથે રહેલા વાંકાનેરના ગુંદાળા ગામના ખીમા વાલજી સાપરા નામના શખસની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: મોરબીમાં દારૂની બાતમી આપ્યાની શંકાએ ભત્રીજાને કાકા સહિત ૪ શખસોએ ભડાકે દીધો
પોશડોડાનો 51.500 કિલો ગ્રામ જથ્થો દાલસીંગ પારગી સપ્લાય કરવા આવ્યો હતો. પોશડોડા, બે મોબાઈલ ફોન તથા ટ્રેનની ટિકિટ પોલીસે કબજે લીધી હતી. પોશડોડાના બે નંબરના ધંધામાં સોમ અને વિનુ નામના બે શખસના નામ ખૂલતા બન્નેની શોધખોળ હાથ ધરાઈ છે. થોડા સમય પૂર્વે એએનટીએફએ ચોટીલામાં એનડીપીએસનો કેસ કરાયો હતો ત્યાં ફરી આ જ પંથકમાં થાનગઢમાંથી ડ્રગ પકડતા સ્થાનિક પોલીસમાં દોડધામ થઈ પડી છે.
