રાજકોટમાં 12 કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ `સમયસર’ પહોંચ્યા: 375 વિદ્યાર્થી ગેરહાજર
ફાયર વિભાગ, સીઆઈએસએફની સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
પાછલીવાર કરતા આ વખતે પેપર અઘરું રહ્યાનો વિદ્યાર્થીઓનો મત: ફિઝિક્સ વધુ કપરું લાગ્યું
તબીબી ક્ષેત્રમાં પ્રવેશનું પ્રથમ પગથીયું ગણાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)નું 3 મેએ પેપર લીક થયા બાદ પરીક્ષા રદ્દ કરવી પડી હતી. આ પછી કેન્દ્ર સરકાર માટે નવેસરથી પરીક્ષા લેવાનું કામ યુદ્ધ લડવા જેવું બની ગયું હોય જડબેસલાક સુરક્ષા-વ્યવસ્થા વચ્ચે 21 જૂનને રવિવારે ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી જે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થવા પામી હતી. રાજકોટમાં 12 કેન્દ્રો ઉપર 4955 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીએ રિ-નિટની પરીક્ષા આપી હતી જ્યારે 375 વિદ્યાર્થી ગેરહાજર રહ્યાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: દેશમાં 5000થી વધુ કેન્દ્રો પર 22.79 લાખ વિદ્યાર્થીઓએ આપી રી-નીટ
રાજકોટમાં રિ-નિટની પરીક્ષા અલગ-અલગ 12 કેન્દ્રો જેમાં પી.ડી.માલવિયા કોમર્સ કોલેજ, કેન્દ્રીય વિદ્યાલય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્નવેન્શનલ બિલ્ડિંગ, ડી.એચ.કોલેજ, એમ.જે.કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ મહિલા કોલેજ, એ.વી.પારેખ ટેક્નીકલ ઈન્સ્ટીટ્યુટ સહિતનો સમાવેશ થાય છે. અહીં વિદ્યાર્થીઓને 11થી 1:30 વચ્ચે પ્રવેશ આપવામાં આવ્યો હતો. એકંદરે તમામ વિદ્યાર્થીઓ સમયસર કેન્દ્ર પર પહોંચી ગયા હોવાથી પ્રવેશ મુદ્દે કોઈ જ પ્રકારનો વિવાદ થવા પામ્યો ન્હોતો. આ ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સીઆઈએસએફની અલગ-અલગ ટુકડીની સાથે જ પોલીસનો બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. આગ સહિતના બનાવ બને તો તાત્કાલિક પહોંચી વળાય તે માટે ફાયર વિભાગને પણ એલર્ટ મોડ પણ રખાયો હતો. પરીક્ષાર્થીની તબિયત બગડે તો તુરંત સારવાર આપી શકાય તે માટે એમ્બ્યુલન્સ તેમજ તબીબી ટીમ પણ રાખવામાં આવી હતી.
સાંજે 5:15 વાગ્યે પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ સાથે વાત કરવામાં આવતાં પાછલી પરીક્ષા કરતા આ વખતે પેપર અઘરું રહ્યાનો મત આપ્યો હતો. ખાસ કરીને પરીક્ષાર્થીઓને પેપરમાં ફિઝિક્સ સંબંધિત પ્રશ્નો કપરાં લાગ્યા હતા.
