નવી EV પોલિસીમાં ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારા ગ્રાહકોને વધુ આકર્ષક લાભો આપવાની યોજના
ગુજરાત સરકાર રાજ્યમાં સ્વચ્છ પરિવહનને વેગ આપવા નવી ઇલેક્ટ્રિક વ્હીકલ (ઈવી) પોલિસી તૈયાર કરી રહી છે અને ટૂંક સમયમાં નવી પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર થઇ જવાની સંભાવના છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નવી પોલિસીનું મુખ્ય ફોકસ ત્રણ મુદ્દાઓ પર રહેશે-ઈવી વેચાણમાં વધારો, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ અને ઈવી તેમજ બેટરી ઉત્પાદનને પ્રોત્સાહન. નવી પોલિસી હેઠળ ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારા ગ્રાહકોને વધુ આકર્ષક લાભો આપવાની યોજના છે. હાલમાં પેટ્રોલ-ડીઝલ વાહનો પર છ ટકા આરટીઓ ટેક્સ વસૂલાય છે, જ્યારે ઈવી પર માત્ર એક ટકા ટેક્સ છે. સરકાર ઈવી પરનો આરટીઓ ટેક્સ સંપૂર્ણપણે શૂન્ય કરવાની વિચારણા કરી રહી છે. ઉપરાંત ઈવી ખરીદી પર મળતી સબસિડી બમણી કરવાની અને હાલ મર્યાદિત કેટેગરીના બદલે તમામ પ્રકારનાં વાહનો માટે તેનો લાભ વિસ્તૃત કરવાની દરખાસ્ત છે.
ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડલ અપનાવવાની યોજના છે. ચાર્જિંગ સ્ટેશન સંચાલકોને વીજળી સબસિડી સહિતનાં પ્રોત્સાહનો આપવામાં આવી શકે છે, સાથે જ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (જીડીસીઆર)માં ફેરફાર કરીને તમામ ઇમારતોમાં ઈવી ચાર્જિંગ સુવિધા ફરજિયાત બનાવવાનો પણ વિચાર ચાલી રહ્યો છે.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં વાહનોમાં બોમ્બ ધડાકા, 7 ના મોત, અનેક ઘાયલ
પોલિસીમાં ઈવી અને બેટરી મેન્યુફેક્ચરિંગ માટે વિશેષ પ્રોત્સાહનોનો પણ સમાવેશ થવાની શક્યતા છે. રોકાણ આકર્ષવા માટે સરકાર ઉદ્યોગજગત સાથે ચર્ચા કરી રહી છે. નવી ઔદ્યોગિક નીતિમાં ઈવી અને બેટરી ઉત્પાદનને ‘થ્રસ્ટ સેક્ટર’નો દરજ્જો આપવામાં આવ્યો હોવાથી આ ક્ષેત્રને વધારાના લાભો મળવાની સંભાવના છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી સરકારની તર્જ પર 2028 પછી પેટ્રોલ અને ડીઝલ વાહનોના વેચાણ પર નિયંત્રણ લાદવા જેવા નિયમનકારી વિકલ્પો પર પણ વિચારણા થઈ રહી છે. સરકાર પોતાના વાહન કાફલાનું પણ તબક્કાવાર વીજળીકરણ કરશે. જાહેર પરિવહન અને સરકારી માલિકીનાં વાહનોને ધીમે ધીમે ઈવીમાં રૂપાંતરિત કરવામાં આવશે, જ્યારે સરકારી વિભાગો દ્વારા ભવિષ્યમાં ખરીદવામાં આવતાં નવાં વાહનો ઇલેક્ટ્રિક જ હશે.
