પ્રીતિ ઝિન્ટા ગૂગલ-મેટા સામે કેસ કરી શકશે
અભિનેત્રીને હાઇકોર્ટની રાહત: ડીપફેક વીડિયો અને ડિજિટલ ક્નટેન્ટથી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યાનો આક્ષેપ
અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી છે. કોર્ટે તેમને ગૂગલ LLC, મેટા પ્લેટફોર્મ્સ અને અન્ય કેટલીક વેબસાઇટ્સ સામે સિવિલ કેસ દાખલ કરવાની મંજૂરી આપી છે. આ મામલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવાયેલા ડીપફેક વીડિયો, ફેરફાર કરેલી તસવીરો અને અન્ય ડિજિટલ સામગ્રીથી તેમની છબીને થયેલા નુકસાન સાથે જોડાયેલો છે.
અહેવાલો મુજબ, કેસના કેટલાક પક્ષકારો મુંબઈની બહાર હોવાના કારણે પ્રીતિ ઝિન્ટાએ હાઈકોર્ટની મંજૂરી માગી હતી. ન્યાયમૂર્તિ અભય આહૂજાએ અરજી સ્વીકારીને કેસ દાખલ કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ અભિનેત્રી હવે જવાબદાર વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે કાનૂની કાર્યવાહી કરી શકશે.
ફિલ્મી મોરચે પ્રીતિ ઝિન્ટા હાલમાં રાજકુમાર સંતોષી દિગ્દર્શિત બંટવારા 1947 ફિલ્મને લઈને ચર્ચામાં છે. આ પિરિયડ ડ્રામા ફિલ્મમાં સની દેઓલ, શબાના આઝમી, કરણ દેઓલ અને અલી ફઝલ સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ આગામી વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
