NEET વધુ એકનો ભોગ લીધો: અમદાવાદમાં 17 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત
21 જૂને યોજાનારી NEET-UG પરીક્ષાના 3 દિવસ પહેલાં અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં 17 વર્ષના વિદ્યાર્થી કહાન પટેલના આપઘાતના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. એરિસ્ટો આનંદમ ફ્લેટના છઠ્ઠા માળેથી કૂદી જવાની આ ઘટના બાદ પરિવારજનો અને સ્થાનિકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી આપઘાતનું ચોક્કસ કારણ અને કોઈ સુસાઈડ નોટ મળી નથી. ગઈકાલે તમિલનાડુના કોઈમ્બતૂરમાં પણ NEETની તૈયારી કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ આવું પગલું ભર્યું હતું. આ ઘટનાઓએ ફરી એકવાર સ્પર્ધાત્મક પરીક્ષાના દબાણ અને યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર સવાલ ઉઠાવ્યા છે.
અમદાવાદમાં કરુણ ઘટના
આજે વહેલી સવારે ન્યુ રાણીપના એરિસ્ટો આનંદમ ફ્લેટમાંથી 17 વર્ષના કહાન પટેલે કૂદકો માર્યો હતો. તે NEETની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. પરીક્ષા 21 જૂને છે. સાબરમતી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો. પીએમ બાદ મૃતદેહ પરિવારને સોંપાશે. પોલીસે પરિવારજનોના નિવેદન લીધા છે, પરંતુ પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઈડ નોટ મળી નથી એટલે આપઘાતનું કારણ હજુ અસ્પષ્ટ છે.
આ પણ વાંચો: હેવાન પિતા સગી પુત્રીનો સતત ત્રણ વર્ષથી દેહ ચૂંથતો રહ્યો
દેશભરમાં સમાન ઘટનાઓ
આ એકમાત્ર ઘટના નથી. 17 જૂન 2026ના રોજ તમિલનાડુના કોઈમ્બતૂરમાં 19 વર્ષીય અનુકીર્તના નામની વિદ્યાર્થિનીએ પણ NEETની તૈયારી દરમિયાન આપઘાત કર્યો હતો. તેણે આપઘાત પહેલાં સંબંધીને વોટ્સએપ મેસેજમાં લખ્યું હતું કે તેને ફરી પરીક્ષા આપવાનો ડર લાગી રહ્યો છે. સત પરીક્ષા, રિવિઝન અને પરિણામનું દબાણ યુવાનો પર કેવી અસર કરે છે તે આ ઘટનાઓ દર્શાવે છે.
NEET માટે ગુજરાત પોલીસ સજ્જ
રાજ્યમાં 21 જૂને NEET-UG પરીક્ષા નિષ્પક્ષ અને સુરક્ષિત રીતે યોજાય તે માટે ગુજરાત પોલીસે બહુસ્તરીય સુરક્ષા ગોઠવી છે. DGP જી.એસ. મલિકે તમામ કમિશનરો, રેન્જ IG અને SP સાથે વિડિયો કોન્ફરન્સ કરી તૈયારીઓની સમીક્ષા કરી. IGP મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી બનાવાયા છે. પેપર લીક રોકવા ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ પણ લગાવાયો છે.
પરીક્ષા મહત્વની, જીવન વધુ મહત્વનું
આવી ઘટનાઓ બાદ નિષ્ણાતો ભારપૂર્વક કહે છે કે માતાપિતા, શિક્ષકો અને મિત્રોએ વિદ્યાર્થીઓ સાથે ખુલ્લી વાત કરવી જોઈએ. નંબર કે રેન્કથી વ્યક્તિનું મૂલ્ય નક્કી થતું નથી. નિષ્ફળતા અંત નથી, નવી શરૂઆત છે. જો કોઈને સત ટેન્શન, ઊંઘ ન આવવી, ભૂખ ન લાગવી કે એકલતા લાગે તો પ્રોફેશનલ કાઉન્સેલિંગ લેવું જરૂરી છે.
