જામજોધપુર પંથકમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના: આરોપીની ધરપકડ
જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશન ખાતે ગત ૧૪ જૂન ૨૦૨૬ના રોજ ૧૮ વર્ષીય ભોગ બનનાર દીકરી દ્વારા પોતાના ૪૬ વર્ષીય પિતા વિરુદ્ધ દુષ્કર્મ, પોક્સો, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદ નોંધાતાની સાથે જામજોધપુર પોલીસ દ્વારા ૪૬ વર્ષીય હવસખોર પિતાની ધરપકડ કરી ૧૬ જુન ૨૦૨૬ ના રોજ કોર્ટમાં પ્રોડ્યુસ કરતાં કોર્ટ દ્વારા હવસખોર પિતાને જેલ હવાલે કરવાનો હુકમ સંભળાવવામાં આવ્યો છે. ભોગ બનનાર દીકરીએ પોલીસને આપેલી ફરિયાદ મુજબ છેલ્લા ત્રણ વર્ષથી તેના પિતા પોતાના ઘરે તેમજ વાડી ખાતે પરિવારના અન્ય સભ્યોની ગેરહાજરી હોય ત્યારે તેણીની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતા હતા.
આખરે ત્રણ વર્ષ બાદ કંટાળીને કોલેજના પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ કરનારી દીકરી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભોગ બનનારે જણાવ્યું હતું કે, પોતે જ્યારે સગીર વયની હતી. ત્યારે ત્રણ વર્ષ પૂર્વે ચોમાસા દરમિયાન પોતાના પિતા સાથે સૂતી હતી. દરમિયાન તે સમયે તેના પિતાએ તે તેણીની સાથે પ્રથમ વખત બળજબરી કરવાની કોશિશ કરી હતી. ત્યારબાદ અવારનવાર વાડી ખાતે તેમજ રહેણાંક મકાન ખાતે પરિવારના અન્ય સભ્યોની હાજરી ન હોય ત્યારે પિતા દીકરી સાથે તેણીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતા હતા.
આ પણ વાંચો: માધવપુર મેળા-૨૦૨૬માં કરોડો રૂપિયાની ગેરરીતિ: વકીલની વડાપ્રધાનને ફરિયાદ
જામજોધપુર પોલીસ દ્વારા તપાસના કામે ભોગ બનનાર દીકરી તેમજ તેના હવસખોર પિતાનું મેડિકલ કરવામાં આવ્યું છે. તો સાથે જ બનાવ સમયના કપડાં પણ કબજે કરવામાં આવ્યા છે. હવસખોર પિતાનો મોબાઇલ ફોન પણ પોલીસે કબજે કર્યો છે. તો સાથે જ ૧૬ જૂન ૨૦૨૬ ના રોજ મેજિસ્ટે્રટ સમક્ષ બીએનએસએસની કલમ ૧૮૩ મુજબ ભોગ બનનાર દીકરીએ પોતાનું નિવેદન નોંધાવ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ૪૬ વર્ષીય હવસખોર પિતા પરિવાર સાથે ખેતી કરતો હોવાનું જાણવા મળ્યું છે. સંતાનમાં એક દીકરો તેમજ દીકરી છે. જેમાંથી દીકરો ૨૦ વર્ષનો છે જ્યારે કે હાલ ભોગબનનાર દીકરીની ઉંમર ૧૮ વર્ષ અને ૩ મહિનાની હોવાનું સામે આવ્યું છે
