મહારાષ્ટ્ર; 6 સાંસદોએ ઉધ્ધવ ઠાકરેનો સાથ છોડ્યો
શિંદે સેનામાં વિલય કરવા લોકસભાના સ્પીકરને પત્ર પાઠવ્યો; યુબીટી મુસીબતમાં; દિલ્હીમાં આજે ઠાકરેએ બધાજ સાંસદોને દિલ્હી બોલાવ્યા
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના છ શિવસેના સાંસદોએ ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાને સમર્થન આપવાનું વચન આપ્યું છે, સૂત્રોએ દાવો કર્યો છે. જે સાંસદો એકનાથ શિંદેના પક્ષમાં જઈ રહ્યા છે તેમાં સંજય જાધવ, સંજય દેશમુખ, નાગેશ પાટીલ અષ્ટિકર, ઓમરાજે નિમ્બાલકર, ભાઈસાહેબ વાકચૌરે અને સંજય દીના પાટીલનો સમાવેશ થાય છે. આ બળવાખોર સાંસદોએ લોકસભાના સ્પીકરને પત્ર પાઠવી શિંદે શિવ સેનામાં વિલેની મંજૂરી માંગી છે.
દરમિયાન, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં ભાગલા પડવાની અટકળો વધી રહી છે, તે વચ્ચે, પાર્ટીના નેતા સંજય રાઉતે બળવાખોર સાંસદોને પડકાર ફેંક્યો કે જો તેઓ પક્ષ બદલવા માંગતા હોય તો રાજીનામું આપી દે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં બોલતા, રાઉતે કહ્યું કે જો 2022 માં થયેલા વિભાજનની જેમ પાર્ટીમાં ફરી એક ભાગલા પાડવાનો પ્રયાસ કરવામાં આવશે, તો મહારાષ્ટ્રના લોકો અને શિવસેનાના સાંસદો ચૂપ રહેશે નહીં.
આ પણ વાંચો: અમેરિકી સૈન્ય કમાન્ડના નામમાંથી INDO શબ્દ દૂર કરાયો: ભારતનું મહત્વ ઘટાડવાનો પ્રયાસ
શિવસેના (UBT)ના નવ લોકસભા સભ્યોમાંથી, ફક્ત ત્રણ – અરવિંદ સાવંત, અનિલ દેસાઈ અને રાજાભાઉ વાઝે – રાઉતની પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. તેમણે બળવાખોર સાંસદોને કહ્યું, “ઉદ્ધવ ઠાકરે અને શિવસેના (UBT) ના કાર્યકરોએ સાંસદોની જીત સુનિશ્ચિત કરવા માટે સખત મહેનત કરી છે. જો તમે પક્ષ બદલવા માંગતા હો, તો પહેલા રાજીનામું આપો.” આજે દિલ્હીમાં યુબિટી સંસદીય પક્ષની બેઠક પણ બોલાવાઈ છે, બધા જ સાંસદોને વ્હીપ અપાયો છે
રૂપિયા 15-15 કરોડમાં ખરીદી થઈ; સંજય રાઉતનો આરોપ
દરમિયાનમાં યુબીટીના સાંસદ સાંસદ સંજય રાઉતે સોશિયલ મીડિયા પર શ્રેણીબદ્ધ પોસ્ટ કરીને દાવો કર્યો છે કે, સાંસદોને પક્ષ બદલવા માટે 15-15 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે. રાઉતે આ પોસ્ટમાં ‘અપના સપના મની મની’ લખીને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ ટેગ કર્યા છે.આ બારામાં ભારે ચર્ચા જાગી છે.
