રેસકોર્સને `રંગીન’ બનાવવાનું નામંજૂર
રાજકોટને હરિયાળું બનાવવા માટેની પોલિસીમાં હજુ કોઈને `ટપ્પો‘ ન પડતા દરખાસ્ત પેન્ડીંગ
ગટરનું પાણી ચોખ્ખું કરવા પાછળ 1.98 કરોડનો ખર્ચ વધુ લાગતાં `ભાવતાલ‘ કરવા એક સપ્તાહનો સમય અપાયો
હૉકી, ફૂટબોલ સહિતના ગ્રાઉન્ડ ત્રણ વર્ષ નહીં છ મહિના માટે જ જાળવણી માટે અપાશે
મહાપાલિકામાં બુધવારે ચેરમેન પરેશ પીપળીયાના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં એક દરખાસ્ત નામંજૂર તો બે દરખાસ્તને પેન્ડીંગ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રેસકોર્સ રિંગરોડ ફરતે ડેકોરેટિવ લાઈટિંગ, કલરફુલ બાંકડા સહિતની સુવિધા કરવા માટે 2.30 કરોડના ખર્ચની દરખાસ્ત આવી હતી જેના ઉપર લાંબી ચર્ચા કર્યા બાદ નામંજૂર કરવામાં આવી હતી. હાલ કરકસરના પગલાં ઉઠાવવામાં આવી રહ્યા હોય સાથે સાથે કોઈ મોટો તહેવાર પણ ન હોવાથી રસ્તાના શણગાર માટે આટલો બધો ખર્ચ કરવો વ્યાજબી જણાતો ન હોય કમિટીએ દરખાસ્ત નામંજૂર કરી હતી. શાસકોના જણાવ્યા પ્રમાણે સ્થિતિ જ્યારે સારી જણાશે ત્યારબાદ દરખાસ્ત આવ્યે નિર્ણય લેવામાં આવશે.
આ ઉપરાંત રૈયા ખાતે 51 એમએલડીના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે ગટરનું પાણી ચોખ્ખું કરી સિંચાઈ માટે વિતરણ કરવા માટે બે વર્ષનો જાળવણી માટેના કોન્ટ્રાક્ટ પાછળ 1.98 કરોડના ખર્ચની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ માટે 27.90% `ડાઉન’ એટલે કે ઓછા ભાવ ભર્યા હતા આમ છતાં સ્ટેન્ડિંગ કમિટીમાં સામેલ એક સભ્ય દ્વારા એવું સુચન કરવામાં આવ્યું હતું કે આ જ પ્રકારના કામ પાછળ 27.90% કરતા પણ ડાઉન ભાવ આવ્યા હોવાથી હજુ એક વખત ભાવતાલ કરી શકાય તેમ છે. આ સુચનને માન્ય રાખતા દરખાસ્ત એક સપ્તાહ માટે પેન્ડીંગ રાખવામાં આવી હતી.
આ પણ વાંચ: મા એ મા…. દીપડાના મોંમાંથી માતાએ માસૂમ પુત્રીને બચાવી
જ્યારે પેન્ડીંગ રખાયેલી અન્ય એક દરખાસ્ત કે જે રેસકોર્સ સંકુલમાં આવેલા વિવિધ ગ્રાઉન્ડ જેમાં હૉકી, ટેબલ ટેનિસ, બાસ્કેટ બોલ સહિતના ગ્રાઉન્ડની જાળવણી માટે રાજકોટ સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશનને ત્રણ વર્ષ માટે આપવાની હતી. જો કે કમિટી દ્વારા ત્રણ વર્ષ નહીં પરંતુ છ મહિના માટે જ આ ગ્રાઉન્ડ જાળવણી માટે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છ મહિનાની અંદર ફાઉન્ડેશન દ્વારા ગ્રાઉન્ડની જાળવણી માટે શું શું કરવામાં આવ્યું તે સહિતની વિગતો પણ માંગવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીએ 17.91 કરોડના `વિકાસ’ની 10 દરખાસ્ત કરી મંજૂર
સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમિયાન વિવિધ 13 દરખાસ્ત ઉપર નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી 17,91,57,591ના ખર્ચની વિકાસકામની 10 દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી જ્યારે બે દરખાસ્ત પેન્ડીંગ તો એકને નામંજૂર કરવામાં આવી હતી. 13માંથી એક દરખાસ્ત મહાપાલિકાના ભંગાર થઈ ગયેલા વાહનોના વેચાણની પણ હતી જેને મંજૂરી અપાતાં તંત્રને 20.01 લાખની આવક થશે.
