ટેન્કરથી પાણી પહોંચાડવા માટે 11.50 નહીં, 5.28 કરોડ રૂપિયા જ ખર્ચાશે
કમિશનરે બે વર્ષ માટે ખર્ચ કરવા દરખાસ્ત કરી, શાસકોએ એક વર્ષમાં મહત્તમ વિસ્તારોમાં પાણીની લાઈન બિછાવાઈ જવાની હોવાથી એક વર્ષનો જ ખર્ચ મંજૂર કર્યો
એક બાજુ તંત્રવાહકો દ્વારા રાજકોટ સ્માર્ટ બની રહ્યાનું અને મહત્તમ વિસ્તારોમાં પીવાના પાણીની ડીઆઈ પાઈપલાઈન બિછાવી દેવામાં આવ્યાના દાવા કરવામાં આવી રહ્યા છે બરાબર ત્યારે જ બુધવારે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ 11.50 કરોડના ખર્ચે ટેન્કર મારફતે પાણી પૂરું પાડવાની દરખાસ્ત આવતા આ દાવા પોકળ સાબિત થયા છે. જો કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 11.50 કરોડ નહીં પરંતુ 5.28 કરોડના ખર્ચને જ મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો: રેસકોર્સને `રંગીન’ બનાવવાનું નામંજૂર
મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના દસેક જેટલા વોર્ડમાં બે વર્ષ માટે પાણીના પાંચ હજારથી લઈ વીસ હજાર સુધીની ક્ષમતાના ટેન્કર મારફતે પીવાનું પાણી પૂરું પાડવા માટે એજન્સીને કામ આપવા દરખાસ્ત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા કરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં માત્ર બે જ એજન્સીએ રસ દાખવ્યો હતો. આ દરખાસ્ત ઉપર ચર્ચા કર્યા બાદ શાસકો દ્વારા બે વર્ષ નહીં પરંતુ એક વર્ષ માટે જ ટેન્કર મારફતે પાણી વિતરણ કરવાનું મંજૂર કરાયું હતું અને આ માટે 5.28 કરોડનો ખર્ચ બહાલ રખાયો હતો.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાના જણાવ્યા પ્રમાણે એક વર્ષની અંદર શહેરના અનેક વિસ્તારો કે જ્યાં ટેન્કર મારફતે પાણી વિતરણ કરવામાં આવ્યાની દરખાસ્ત છે તે વિસ્તારોમાં લાઈન બિછાવી દેવામાં આવનાર છે એટલા માટે બે વર્ષ માટે કામ શા માટે આપવું ? ખાસ કરીને વેસ્ટ ઝોન હેઠળના લગભગ દરેક વોર્ડમાં લાઈન બિછાવી દેવામાં આવશે. જો કે જે મિલકતો ગેરકાયદેસર છે ત્યાં માનવતાના ધોરણે પાણી વિતરણ કરવાની તંત્રની જવાબદારી હોય એક વર્ષ માટે ટેન્કરથી પાણી આપવાનું ચાલુ રખાશે અને આવનારા દિવસોમાં પણ ટેન્કર મારફતે વિતરણ ચાલુ જ રહેશે.
