માનવ કલ્યાણ યોજના’ માટે “ઈ-કુટીર પોર્ટલ” ખુલ્લું મૂકાયું
ગાંધીનગરથી કુટીર ઉદ્યોગ મંત્રી નરેશ પટેલ અને રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે થયો પ્રારંભ*
અરજદારો ૧૦ ટ્રેડ માટે ઓનલાઇન અરજી કરી શકશે; દિવ્યાંગોને પસંદગીમાં મળશે અગ્રતા: કુટીર ઉદ્યોગ મંત્રી નરેશ પટેલ
વર્ષ ૨૦૨૬-૨૭ માટે https://e-kutir.gujarat.gov.in/ પોર્ટલ પર ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકાશે
ઓનલાઈન ડ્રો અને ડિજિટલ ‘ઈ-વાઉચર’ પ્રણાલીથી લાભાર્થીઓ મનપસંદ અને ગુણવત્તાયુક્ત ટૂલકીટ જાતે ખરીદી શકશે
“માનવ કલ્યાણ યોજના” અંતર્ગત અરજીઓ મેળવવા માટે નાગરિકો માટે આજથી “ઈ-કુટીર પોર્ટલ” ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રાજ્યના નાના કારીગરો અને આર્થિક રીતે પછાત વર્ગના પરિવારોને સ્વરોજગારી પૂરી પાડવાના આશય સાથે આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. ગાંધીનગર ખાતેથી કુટીર ઉદ્યોગ મંત્રી નરેશ પટેલના વરદ હસ્તે તેમજ કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરની પ્રેરક ઉપસ્થિતિમાં આ પોર્ટલ વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
આ પ્રસંગે કુટીર ઉદ્યોગ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, ગુજરાત સરકાર દ્વારા “માનવ કલ્યાણ યોજના”ને સંપૂર્ણપણે ડિજિટલ પ્લેટફોર્મ પર અમલી બનાવવામાં આવી છે. આ નવી વ્યવસ્થા હેઠળ લાભાર્થીઓની પસંદગી ઓનલાઇન ડ્રો દ્વારા પારદર્શક રીતે કરવામાં આવશે.
આ પણ વાંચો: એક જ મેચમાં રમાઈ ત્રણ સુપર ઓવર !
અરજદારો આ યોજના હેઠળ જુદા-જુદા ૧૦ ટ્રેડ માટે ઓનલાઇન અરજી કરી શકશે. ખાસ કરીને દિવ્યાંગ -બહેનોને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. આ યોજના ‘આત્મનિર્ભર ગુજરાત’ દ્વારા ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં પાયાની ભૂમિકા ભજવશે અને છેવાડાના માનવીને આર્થિક રીતે સશક્ત બનાવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના નાના કારીગરોને સ્વરોજગારના સાધન-ઓજાર ખરીદવા માટે આ યોજના અંતર્ગત નાણાકીય સહાય રૂપે ઈ-વાઉચર આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે લાયકાત ધરાવતા સભ્યો ઓનલાઈન પોર્ટલ https://e-kutir.gujarat.gov.in/ પર જઈને પોતાની અરજી સબમિટ કરી શકશે. પસંદ થયેલા લાભાર્થીઓને ડિજિટલ માધ્યમથી ઈ-વાઉચર આપવામાં આવશે, જેનો ઉપયોગ કરીને તેઓ બજારમાંથી પોતાની પસંદગી અને ઉત્તમ ગુણવત્તા મુજબની ટૂલકીટ ખરીદી શકશે.
પાત્રતાના મુખ્ય માપદંડો:
– અરજી કરનાર નાગરિકની ઉંમર ૧૮ થી ૬૦ વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે.
– ગ્રામ્ય અને શહેરી વિસ્તારના જે પરિવારોની વાર્ષિક આવક રૂ. ૬ લાખ સુધીની હોય તેવા તમામ પરિવારો આ યોજનાનો લાભ મેળવી શકશે.
– અનુસૂચિત જાતિ પૈકીના અતિ પછાત વર્ગની ૧૨ જાતિઓ તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ પૈકી અતિ પછાત, વિચરતી અને વિમુક્ત જાતિઓના અરજદારો માટે કોઈ પણ પ્રકારની આવક મર્યાદા લાગુ પડશે નહીં.
આ ગરિમામય અવસરે ઇન્ડેક્ષ્ટ-સી કચેરીના કાર્યવાહક નિયામક એસ.જે.જોષી, વિભાગના નાયબ સચિવ સુમિત ચૌધરી, કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ કચેરીના અધિક કમિશનર એચ.બી. પટેલ તથા અન્ય અધિકારી , જી.આઈ.પી એલ. અને પી.એમ યુ ટીમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
