NEET-UG માટે ગુજરાત પોલીસનો 3-સ્તરીય કવચ: 21 જૂને અભેદ્ય સુરક્ષા, DGP મલિકે જાતે સંભાળી કમાન
21 જૂન 2026ના રોજ યોજાનારી NEET-UG પરીક્ષા માટે ગુજરાત પોલીસે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સંકળાયેલી આ પરીક્ષાને નિષ્પક્ષ અને વિક્ષેપરહિત બનાવવા DGP જી.એસ. મલિકે રાજ્યવ્યાપી વિડિયો કોન્ફરન્સ કરીને સીધી કમાન સંભાળી છે. કાયદો-વ્યવસ્થાની જવાબદારી માટે IGP મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકે નીમીને બહુસ્તરીય સુરક્ષા કવચ તૈનાત કરવાનો આદેશ અપાયો છે. પરીક્ષા કેન્દ્રથી લઈ સોશિયલ મીડિયા સુધી, પોલીસની ચાંપતી નજર રહેશે.
NEET-UGની તૈયારીઓને આખરી ઓપ આપવા DGP જી.એસ. મલિકે તમામ પોલીસ કમિશનરો, રેન્જ IGP અને જિલ્લા પોલીસ વડાઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજી હતી. બેઠકમાં પરીક્ષાના સુરક્ષિત આયોજન માટે વિગતવાર રણનીતિ નક્કી કરાઈ.
નોડલ અધિકારી નિયુક્ત, બહુસ્તરીય સુરક્ષા
પરીક્ષા દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા IGP કાયદો અને વ્યવસ્થા મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે. ઉમેદવારોની સંખ્યા મુજબ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. પરીક્ષા કેન્દ્રની આસપાસના ફોટોકોપી-ઝેરોક્સ સેન્ટરો પર કડક નજર રખાશે અને NTAની તમામ ગાઇડલાઇનનું 100% પાલન કરાવાશે.
આ પણ વાંચો: રાજકોટમાં નકલી પોલીસ બની તોડબાજી કરતાં બે ઠગ રંગેહાથ ઝડપાયા
વિદ્યાર્થીઓ માટે સંવેદનશીલ ચેકિંગ
પોલીસને સૂચના અપાઈ છે કે ઉમેદવારોની ચકાસણી સઘન પણ સંવેદનશીલ રીતે થાય. ખાસ કરીને મહિલા ઉમેદવારો સાથે ગૌરવપૂર્ણ વ્યવહાર અને માતા-પિતા-વાલીઓ સાથે સૌજન્ય રાખવામાં આવે. મોબાઇલ, સ્માર્ટ વોચ જેવા પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણો જમા કરાવવા માટે અલગ સુરક્ષિત વ્યવસ્થા કરવાનો આદેશ અપાયો છે.
ગેરરીતિ રોકવા સ્પેશિયલ ડ્રાઇવ
1. કેન્દ્ર નિરીક્ષણ: 20 જૂને તમામ યુનિટ વડાઓએ NTA પ્રતિનિધિ સાથે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ સુરક્ષા ચકાસવી પડશે.
2. રાત્રિ પેટ્રોલિંગ: 19થી 21 જૂન દરમિયાન પ્રશ્નપત્રોની ગોપનીય હેરફેરને ધ્યાનમાં રાખી સઘન નાઇટ પેટ્રોલિંગ કરાશે.
3. સોશિયલ મીડિયા મોનિટરિંગ: પરીક્ષાને લઈને અફવા, પેપર લીક કે વિક્ષેપના પ્રયાસો રોકવા સોશિયલ મીડિયા સેલ સક્રિય કરાયું છે.
યોગ દિવસ સાથે બેલેન્સ
21 જૂને આંતરાષ્ટ્રીય યોગ દિવસ પણ હોવાથી DGPએ સ્પષ્ટ સૂચના આપી છે કે યોગ કાર્યક્રમો અને NEET ડ્યુટી માટે અલગ-અલગ માનવબળ ફાળવવામાં આવે. જેથી પરીક્ષાર્થીઓને કોઈ અસુવિધા ન પડે અને રાજ્યભરમાં યોગની ઉજવણી પણ સુપેરે થાય.
ગુજરાત પોલીસના આ ‘અભેદ્ય કવચ’નો એકમાત્ર ઉદ્દેશ છે – દરેક વિદ્યાર્થીને સુરક્ષિત માહોલમાં પોતાની કાબેલિયત બતાવવાની તક મળે.
