ઈમ્પેક્ટ ફી ભરી મિલકત કાયદેસર કરાવવાની મુદ્દતમાં સાતમી વખત વધારો
ત્રણ વર્ષમાં રાજકોટમાં ૧૫૩૨૩ અરજીમાંથી ૫૪૨૮ જ મંજૂર થઈ, ૬૧૨૬ અરજી હજુ પેન્ડીંગ
રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિતની મહાપાલિકા હેઠળ આવતા વિસ્તારોમાં ગેરકાયદેસર મિલકતોને ઈમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરવાની સગવડ કરી આપવામાં આવ્યા બાદ મંગળવારે આ નિયમની મુદ્દત પૂર્ણ થતાં સરકાર દ્વારા સાતમી વખત છ મહિનાનો વધારો કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. જો કે મુદ્દત ભલે વધી પરંતુ રાજકોટમાં ગેરકાયદેસર દબાણો ધરાવતા મિલકતધારકોને મિલકત કાયદેસર થાય તેમાં કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે સાથે સાથે તંત્ર દ્વારા પણ અરજીઓનો ઝડપથી નિકાલ કરવામાં આવી રહ્યો ન હોય તેની પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે.
આ પણ વાંચો:જેણે અનેક આગને કાબૂ'માં લીધી તે ફાયર ફાઈટર હવેભંગાર’માં વેચાશે
ઈમ્પેક્ટ ફીનો નિયમ ત્રણ વર્ષ એટલે કે ૩૬ મહિનાથી અમલમાં છે ત્યારે આ ત્રણ વર્ષ દરમિયાન રાજકોટમાં કુલ ૧૫૩૨૩ અરજી ઈમ્પેક્ટ ફી ભરી દબાણ કાયદેસર કરવા માટે આવી છે. આ અરજી પૈકી ૫૪૨૮ અરજી મંજૂર કરાઈ છે તો ૩૩૫૬ને નામંજૂર કરવામાં આવી છે. જ્યારે ૬૨૧૬ હજુ વિચારણા હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.
સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફી ભરપાઈ કરી દબાણ માન્ય કરાવવાના બદલામાં રહેણાક મિલકત માટે પ્રતિ ચોરસમીટર ૫૦૦૦થી ૭૫૦૦ અને કોમર્શિયલ તેમજ ઔદ્યોગિક હેતુના બાંધકામ માટે ૧૦ હજારથી ૨૦ હજાર રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે. ફી ભરપાઈ કરવામાં મિલકતધારકોને કોઈ વાંધો ન હોઈ શકે પરંતુ ફાયર એનઓસી ઈશ્યુ ન થવું, રસ્તા પર બાંધકામ હોવું, અનામત પ્લોટમાં દબાણ હોવા સહિતના કારણોસર અરજી નામંજૂર થઈ રહી હોય કોઈ અરજી કરતું જ નથી. વળી, તંત્ર દ્વારા પણ જ્યારે `હુકમ’ થાય ત્યારે બૂલડોઝર સાથે ત્રાટકવાનું મુનાસીબ માનવામાં આવી રહ્યું હોય ત્યાં સુધી ગેરકાયદેસર દબાણનો ભરપૂર ઉપયોગ કરી લેવામાં આવે છે.
