જેણે અનેક આગને કાબૂ’માં લીધી તે ફાયર ફાઈટર હવેભંગાર’માં વેચાશે
ત્રણ મિનિ ફાયર ફાઈટર, ત્રણ શબવાહિની સહિતના ૧૫ વાહનને વેચી ૨૦ લાખ કમાશે મનપા
રેસકોર્સ ફરતે લાઈટિંગ, હૉકી સહિતના ગ્રાઉન્ડ ત્રણ વર્ષ માટે સંસ્થાને સોંપવા, ગ્રીનિંગ પોલિસીને મંજૂરી આપવા સહિતની દરખાસ્ત પર આજે નિર્ણય
રાજકોટમાં નાની-મોટી કોઈ પણ આગ લાગે ત્યારે તેને બૂઝાવવા માટે ફાયર વિભાગના ફાઈટર ૨૪ બાય ૭ તૈયાર જ રહેતા હોય છે ત્યારે આવી અનેક આગને કાબૂમાં લેનાર અનેક ફાયર ફાઈટર ભંગારમાં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ચેરમેન પરેશ પીપળીયાના અધ્યક્ષસ્થાને મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે જેમાં ફાયર ફાઈટર સહિતના ૧૫ વાહન ભંગારમાં વેચવા સહિતની ૧૩ દરખાસ્ત પર નિર્ણય લેવામાં આવશે. મહાપાલિકા દ્વારા ત્રણ મિનિ ફાયર ફાઈટર, બે ફાયર ફાઈટર બાઉઝર, ત્રણ શબવાહિની, બે બોલેરો જીપ, બે કાર સહિત ૧૫ વાહનને ભંગારમાં વેચીને ૨૦ લાખ રૂપિયાની કમાણી કરવામાં આવશે.
આ પણ વાંચો: યુધ્ધ ભલે અટક્યું, રસોડાનું યુધ્ધ ભાવ વધારા સાથે યથાવત
આ ઉપરાંત રેસકોર્સ સંકુલમાં આવેલા હૉકી, ગ્રાસ હૉકી, બાસ્કેટ બોલ કોર્ટ, છ ટેનિસ કોર્ટ, એથ્લેટીક ટે્રક સહિતના ગ્રાઉન્ડ રાજકોટ સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશનને ત્રણ વર્ષ માટે મેઈન્ટેનન્સ સહિતના માટે આપવા, કમિટીની પાછલી બેઠકમાં પેન્ડીંગ રહેલી અર્બન ગ્રીનિંગ પોલિસી તૈયાર કરવા તેમજ રેસકોર્સ રિંગરોડ પર લાઈટિંગનો શણગાર, વોર્ડ નં.૮ અને ૧૦માં પ્રાઈવેટાઝેશનથી ભૂગર્ભ ગટરની ફરિયાદનો નિકાલ કરવા, ડે્રનેજ શાખા માટે સક્શન મશીન ખરીદવા સહિતની ૧૩ દરખાસ્ત પર નિર્ણય લેવામાં આવશે.
