જિંદગી વન્સ મોર : મનોરંજન અને પારિવારિક કોમેડીનો ઓવરડોઝ
-કરણ જોહરના ધર્મા પ્રોડક્શનની પહેલી ગુજરાતી ફિલ્મ ૧૯ જુનથી ધૂમ મચાવશે
-પિતા-પુત્રના સંબંધોને વણી લેતી ફિલ્મ નવા જ અંદાજમાં રજૂ થશે
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં બોલીવુડનું જાણીતું કરણ જોહરનું ધર્મા પ્રોડક્શન પોતાની પહેલી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યું છે.. ધર્મા પ્રોડક્શન્સ દ્વારા પ્રસ્તુત અને વાર્તાકાર ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આગામી ફિલ્મ ‘જિંદગી વન્સ મોર’ સમગ્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક ગૌરવની ક્ષણ છે. આ ફિલ્મ આગામી ૧૯મી જૂનના રોજ ‘ફાધર્સ ડે’ ના ખાસ અવસરે વિશ્વભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે રીલીઝ થશે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ આજે વોઈસ ઓફ ડેની મુલાકાતે આવી હતી અને ફિલ્મની વાર્તા અને તેના પ્રમોશન અંગે ચર્ચા કરી હતી.
આ ફિલ્મની સૌથી મોટી વિશેષતા એ છે કે તે એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે. ફિલ્મના મુખ્ય આકર્ષણ અને ગુજરાતી મનોરંજન જગતના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા આ વખતે દર્શકો સામે એક સાવ નવા જ અંદાજમાં, એક અનોખા અવાતારમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સિગ્નેચર કૉમેડી અને વન-લાઇનર્સ તો અકબંધ છે જ, જે દર્શકોને ખડખડાટ હસાવશે, પરંતુ આ વખતે કૉમેડીની સાથે સાથે તેમનો એક નવો અંદાજ પણ સામે આવશે.
આ પણ વાંચો: ઉપલા સ્તરના અસામાન્ય હવામાનીય પેટર્નથી ચોમાસાની ગતિ ધીમી
ફિલ્મનો મુખ્ય વિષય અને હાર્દ પિતા-પુત્રના સંબંધ પર આધારિત છે. પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ અવારનવાર બહારથી જેટલો કડક દેખાય છે, અંદરથી તે એટલો જ પ્રેમ અને કાળજીથી ભરેલો હોય છે. ફિલ્મ એ નાજુક અને લાગણીસભર વિષયને રજૂ કરે છે કે બાળકો મોટાભાગે એ વાતથી તદ્દન અજાણ હોય છે કે સંતાનોને તેમના જન્મ પહેલાના પિતા વિશે કશું ખબર હોતી નાઘે. આ મનોરંજનથી ભરપૂર કથા દર્શકોને પોતાના પિતા પ્રત્યે આદર અને પ્રેમની એક નવી દ્રષ્ટિ આપશે, અને આ જ કારણ છે કે પિતાના આ અણમોલ સંબંધને ઉજવવા માટે આ ફિલ્મને ખાસ ‘ફાધર્સ ડે’ ના દિવસે, એટલે કે ૧૯મી જૂને જ રિલીઝ કરવાનો મોટો નિર્ણય લેવાયો છે.
લાગણીઓની સાથે સાથે આ ફિલ્મ યુવા પેઢીના રોજિંદા જીવનના રસપ્રદ પાસાઓને પણ સુંદર રીતે વણી લે છે. ફિલ્મમાં યુવાનોની જિંદગી સાથે જોડાયેલી નાની-નાની બાબતો જેવી કે ગલી ક્રિકેટની મોજ, રવિવારની સવાર, મિત્રો સાથેની સખ્ત મસ્તી-મજાક, ફ્રેન્ડ્સ ટ્રીપ, લેટ નાઇટ મૂવીઝના પ્લાન્સ અને દોસ્તી માટે કંઈ પણ કરી છૂટવાની ભાવનાને ખૂબ જ જીવંત રીતે પડદા પર ઉતારવામાં આવી છે. આ નાની-નાની બાબતો ફિલ્મના વાતાવરણને એકદમ હળવું-ફૂલ અને વાસ્તવિક બનાવે છે, જેના લીધે આજનો યુવા વર્ગ પણ ફિલ્મ સાથે ખૂબ જ ઝડપથી કનેક્ટ થઈ શકશે. બોલિવૂડના આટલા મોટા પ્રોડક્શન હાઉસે જ્યારે આ પ્રાદેશિક વાર્તા પર પસંદગી ઉતારી છે, ત્યારે ચોક્કસપણે તેનું ટેકનિકલ સ્તર, સંગીત અને મેકિંગ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનું જોવા મળશે જે ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
આ ફિલ્મનું દિગ્દર્શન જયમીન દ્વારા કરવામાં આવ્યું છે અને વાસુ ધોળકિયા આ ફિલ્મના નિર્માતા છે. ફિલ્મની પટકથા અને સંવાદો દીપ ધોળકિયાએ લખ્યા છે. સાથે તેઓ આ ફિલ્મમાં અભિનય લેન કરી રહ્યા છે. તેમની સાથે આરતી વ્યાસ પટેલ અને જ્હાન્વી ધકાણ જેવા સક્ષમ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આખી ટીમે રાત-દિવસ એક કરીને એક એવું સિનેમેટિક નજરાણું તૈયાર કર્યું છે જે ગુજરાતી દર્શકો વર્ષો સુધી યાદ રાખશે. આ અદ્ભુત પિતા-પુત્રના અનોખા સંબંધની સફર અને પારિવારિક મનોરંજનની કથાને દર્શકો સુધી પહોંચાડવા અને ફિલ્મના સત્તાવાર પ્રમોશનના ભાગરૂપે ફિલ્મના મુખ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા અને તેમની આખી ટીમે રાજકોટ શહેરની ખાસ મુલાકાત લીધી હતી.
